(એજન્સી) નવી દિલ્હી,તા.૨૨
પેટ્રોલિયમ કંપની દ્વારા ઇંધણોના ભાવ નક્કી કરવામાં આવે છે. સરકારની ભૂમિકા માત્ર ટેક્સ લાગવા પૂરતી હોય છે. પેટ્રોલિયમ પેદાશોના ભાવ એક જટિલ પ્રક્રિયા છે જેમાં મૂલ્ય વધારાના વિવિધ પાસાઓ સંકળાયેલા હોય છે. જે પેટ્રોલ અને ડીઝલના આખરી ભાવ નક્કી કરે છે. વિક્રેતાના ડેપો પર પેટ્રોલ કે ડીઝલના ભાવ એક વખત નક્કી થાય પછી કરવેરાનું પેમેન્ટ ચિત્રમાં આવશે.
કેન્દ્ર એક્સાઇઝ ટેક્સ અને સેસ લાદે છે ત્યાર બાદ પ્રતિ લિટર વિક્રેતાનું કમિશન નક્કી થાય છે અને આ ઉપરાંત વેટનું મૂલ્ય ઉમેરવામાં આવે છે. એક્સાઇઝ ડ્યૂટી રૂપિયાના સંદર્ભમાં નહીં કે ટકાવારીના સંદર્ભમાં નિર્ધારીત છે. પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યૂટી પ્રતિ લિટર રૂા.૨૧.૪૮ અને ડીઝલમાં પ્રતિ લિટર રૂા.૨૭.૩૩ છે અને અહીં જ ભૂમિકા શરૂ થાય છે. વેટના દરો રાજ્યવાર જુદા જુદા હોય છે અને તેના કારણે પેટ્રોલના ભાવોમાં જુદા જુદા રાજ્યો વચ્ચે તફાવત જોવા મળે છે. મહારાષ્ટ્ર્‌, મ.પ્ર. અને પંજાબ તેમજ તેલંગાણા એવા રાજ્યો છે જ્યાં પેટ્રોલ પર ૩૫ ટકા વધુ વેટ ચાર્જ કરવામાં આવે છે.
વેટના ઊંચા દરોને કારણે મુંબઇમાં પેટ્રોલ પ્રતિ લિટર રૂા. ૮૦માં વેચાય છે જ્યારે આ જ પેટ્રોલ અંદામાન નિકોબારમાં પ્રતિ લિટર રૂા.૬૧થી ઓછી કિંમતે વેચાય છે. ગોવામાં પણ પેટ્રોલના ભાવ પ્રતિ લિટર રૂા.૬૫થી ઓછા છે. અંદામાન નિકોબારના પોર્ટ બ્લેયરમાં પ્રતિ લિટર રૂા.૬૦થી ઓછી છે જ્યારે દેશના બીજા રાજ્યોમાં પ્રતિ લિટર ભાવ રૂા. ૮૦ની આસપાસ છે.
પોર્ટ બ્લેયરમાં ડીઝલના ભાવ પણ સૌથી ઓછા છે. અહીં ડીઝલ પ્રતિ લિટર રૂા.૫૫.૨૯ છે જ્યારે અન્ય કેટલાય રાજ્યોમાં પ્રતિ લિટર કિંમત રૂા.૬૫ની આસપાસ છે એ જ રીતે એલપીજી સિલિન્ડન્રના ભાવમાં પણ રૂા.૧૨નો ઉતારો છે. દરમિયાન પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર કુમારે એવું સૂચવ્યું છે કે પેટ્રોલ એન ડીઝલ જીએસટીના દાયરામાં લાવવા જોઇએ. જો પેટ્રોલ અને ડીઝલ જીએસટીના દાયરા હેઠળ લાવવામાં આવશે તો ઘણા રાજ્યોમાં પેટ્રોલના ભાવો ગગડી જશે. આમ જો તમારે સસ્તું પેટ્રોલ જોઇતું હોય તો અંદામાન ચાલ્યા જાઓ અને પ્રતિ લિટરે રૂા.૧૮.૭૨ બચાઓ.