(એજન્સી) મુંબઇ, તા.૮
સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવો ભડકે બળે છે. દેશની આર્થિક રાજધાની મુંબઇમાં પેટ્રોલના ભાવમાં ૩૮ પૈસાનો વધારો થવાની સાથે લિટર દીઠ ૮૭.૭૭ રૂપિયા થઇ ગયો છે જ્યારે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૩૯ પૈસા વધવાની સાથે પ્રથમવાર ૮૦ રૂપિયાને પાર થઇ ગયો છે. પેટ્રોલનો ભાવ લિટર દીઠ ૮૦.૩૮ રૂપિયા થઇ ગયો છે. વિશ્લેષકોએ ટૂંક સમયમાં જ પેટ્રોલના ભાવ લિટર દીઠ ૧૦૦ રૂપિયા થઇ જવાની આશંકા વ્યક્ત કરી છે. જ્યારે ડીઝલમાં પણ આવી જ સ્થિતિ છે. મુંબઇમાં ડીઝલના ભાવમાં ૪૭ પૈસાનોે વધારો થતા લિટર દીઠ ભાવ વધીને ૭૬.૯૮ રૂપિયા થઇ ગયો છે. જ્યારે દિલ્હીમાં ડીઝલનો ભાવ ૪૪ પૈસા વધીને લિટર દીઠ ૭૨.૫૧ રૂપિયા થઇ ગયો છે. ઇંધણના ભાવોમાં સતત થઇ રહેલો વધારો સામાન્ય માણસ માટે ભયજનક છે. જો ઇંધણના ભાવોમાં રોકેટની ગતિએ વધારો ચાલુ રહેશે તો આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ વણસવાની સંભાવના છે. સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા અટકાવવા વિશે વિચારવું જોઇએ. સામાન્ય લોકોમાં એવી પણ હવે ચર્ચા થઇ રહી છે કે આગામી વર્ષે લોકસભાની ચૂંટણીઓ યોજાવાની હોવાથી મતદારોને આકર્ષવા માટે સરકાર ચોક્કસપણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધારાને અવગણીને પણ ઇંધણનો ભાવ વધારો અટકાવશે કે ઘટાડશે.
ચેન્નઇમાં પણ પેટ્રોલના ભાવમાં ૪૧ પૈસાના વધારાની સાથે પ્રતિ લિટર ૮૩.૫૪ રૂપિયા થિ ગયો છે. આવી જ રીતે ડીઝલનો ભાવ પણ ૪૭ પૈસા વધવાની સાથે લિટર દીઠ ૭૬.૬૪ રૂપિયા થઇ ગયો છે. જ્યારે કોલકાતામાં પેટ્રોલ ૩૯ પૈસા વધીને લિટર દીઠ ૮૩.૨૭ રૂપિયા થઇ ગયો છે અને ડીઝલ ૪૪ પૈસા વધીને લિટર દીઠ ૭૫.૩૬ રૂપિયા થઇ ગયો છે. ઇંધણના ભાવોમાં વધારા માટે સરકાર અમેરિકી ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડા અને ક્રૂડ ઓઇલના ભાવ વધારાને જવાબદાર ઠરાવે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા માટે મહદ્‌અંશે ઘરેલું વેરાઓ પણ જવાબદાર છે. જો સ્થાનિક વેરાઓમાં ઘટાડો કરવામાં આવે તો બંને ઇંધણના ભાવોમાં નોંધપાત્ર ઘટાડો થઇ શકે છે. મધ્ય ઓગસ્ટથી બંને ઇંધણના ભાવોમાં વધારો ચાલુ છે. કેન્દ્ર સરકાર ઇંધણના ભાવોમાં પ્રજાને કોઇ રાહત આપવા માગતી નથી. જ્યારે વિરોધ પક્ષો દ્વારા ઇંધણના ભાવો ઘટાડવાની માગણી કરવામાં આવી રહી છે અને કોંગ્રેસે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા સામેના વિરોધમાં ૧૦મી સપ્ટેમ્બરે દેશવ્યાપી બંધનું એલાન પણ આપ્યું છે. કોંગ્રેસના બંધના એલાનને અન્ય વિરોધ પક્ષો પણ સમર્થન આપી રહ્યા હોવાના અહેવાલો છે.

ઇંધણના ભાવો નવી રેકોર્ડ ઊંચાઇએ પહોંચતાં કેન્દ્રએ ડોલર અને ઓપેક દેશોને જવાબદાર ગણાવ્યા

પેટ્રોલ અને ડીઝલના ભાવો નવી રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી ગયા હોવાથી કેન્દ્ર સરકારે બંને ઇંધણના ભાવોમાં વધારા માટે અમેરિકી ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો અને ઓપેકના દેશોને જવાબદાર ઠરાવ્યા છે. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે વિશ્વના અન્ય ચલણોની સરખામણીએ ભારતીય ચલણ વધુ મજબૂત હોવા છતાં અમેરિકી ડોલર સામે રૂપિયાનું ભારે ધોવાણ થયું છે. આપણે ડોલર દ્વારા ઓઇલની ખરીદી કરીએ છીએ અને રૂપિયા સામે ડોલરની મજબૂતી આપણા માટે સમસ્યા સર્જી રહી છે. તેમણે એવું પણ કહ્યું કે ઓપેકના દેશો પેટ્રોલિયમના ઉત્પાદનનો ટાર્ગેટ પુરો કરી રહ્યા નથી, એટલેકે ક્રૂડ ઓઇલનું ઓછું ઉત્પાદન કરી રહ્યા છે, તેથી ઓઇલના ભાવમાં વધારો થઇ રહ્યો છે અને આ પરિબળો ભારતની પહોંચની બહારના છે.

પેટ્રોલ-ડીઝલને GSTમાં લાવવાની જરૂર : પેટ્રોલિયમ પ્રધાન

પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં રોકેટ ગતિએ વધારો થઇ રહ્યો છે ત્યારે ઇંધણને જીએસટી હેઠળ લાવવાની ફરી માગણી કરવામાં આવી રહી છે. કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને પણ જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય પરિબળોને કારણે દેશમાં ઇંધણના ભાવો વધી રહ્યા છે અને પેટ્રોલ-ડીઝલને જીએસટી હેઠળ લાવવાનું આવશ્યક બની ગયું છે. બંને ઇંધણ હાલમાં જીએસટી હેઠળ નહીં હોવાથી દેશને આશરે ૧૫,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે. જો આ બંને ઇંધણ જીએસટી હેઠળ આવી જશે તો આ બાબત ગ્રાહકો સહિત બધાના હિતમાં હશે.