નવીદિલ્હી,તા. ૧
પેટ્રોલ અને ડીઝલની કિંમતોને લઇને ભારે હોબાળો થયેલો છે ત્યારે બંને પેટ્રોલિયમ પેદાશોની કિંમતમાં આજે સતત ત્રીજા દિવસે ઘટાડો કરવામાં આવ્યો હતો. આજે સતત ત્રીજા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ક્રમશઃ લીટરદીઠ ૬ પૈસા અને પાંચ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય તેલ કિંમતોમાં ઘટાડાનો દોર જારી રહ્યો છે જેથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધુ ઘટાડો થયો છે. આજના ઘટાડાની સાથે જ દિલ્હીમાં પેટ્રોલની કિંમત ઘટીને ૭૮.૨૯ રૂપિયા થઇ ગઈ છે જે હાલમાં ૭૮.૩૫ રૂપિયા હતા. તેલ કંપનીઓ દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં આ મુજબની વાત કરવામાં આવી છે. આવી જ રીતે ડીઝલની કિંમતમાં લીટરદીઠ ઘટાડો કરવામાં આવ્યા બાદ તેની કિંમત ૬૯.૨૫ રૂપિયાથી ઘટીને ૬૯.૨૦ રૂપિયા થઇ ગઇ છે. આને ધ્યાનમાં લેવામાં આવે તો દિલ્હીમાં તમામ મેટ્રો અને મોટાભાગના રાજ્યના પાટનગર કરતા કિંમતો ઓછી છે. રેટમાં ત્રીજી વખત ઘટાડો કરવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં અવિરતરીતે ૧૬ દિવસ સુધી વધારો કરવામાં આવ્યા બાદ હવે ઘટાડો કરવામાં આવ્યો છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી દરમિયાન કિંમતોમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યા ન હતા. કિંમતોને સ્થિર રાખવામાં આવી હતી. જો કે, હવે ફરી એકવાર ફેરફારનો દોર શરૂ થયો છે. અત્રે નોંધનીય છે કે, ગઇકાલે ગુરુવારના દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. પેટ્રોલમાં સાત પૈસા અને ડીઝલમાં પાંચ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. બુધવારના દિવસે પેટ્રોલ અને ડીઝલમાં એક પૈસાનો ઘટાડો કરવામાં આવ્યા બાદ સરકારની મજાક દેશના ઘણા લોકોમાં ઉડી હતી તેની ચિંતા કર્યા વગર પણ ગુરુવારના દિવસે પેટ્રોલની કિંમતમાં પ્રતિલીટર સાત પૈસા અને ડીઝલની કિંમતમાં પાંચ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. સતત ૧૬ દિવસ સુધી વધારો કરવામાં આવ્યા બાદ પેટ્રોલની કિંમતમાં લીટરદીઠ ૩.૮ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો જ્યારે ડીઝલની કિંમતમાં ૩.૩૮નો વધારો કરવામાં આવ્યો હતો.