Ahmedabad

ઊંટગાડા પર બાઈક મૂકી પેટ્રોલપંપ પર જઈ પેટ્રોલ પુરાવી ભાવવધારાનો અનોખો વિરોધ

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.ર૧
પેટ્રોલ-ડીઝલના બેફામ ભાવ વધારા સામે પ્રજાના આક્રોશને વાચા આપવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ એમ.જે. લાયબ્રેરીથી નહેરૂબ્રિજ સુધી ઊંટલારીમાં બાઈક મુકી અનોખો વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ઉંટલારીમાં બાઈક પર બેસી નહેરૂબ્રિજ પાસે આવી પેટ્રોલપંપ પર પેટ્રોલ પુરાવી ભાવવધારાનો વિરોધ કર્યો હતો. આ રેલીએ લોકોમાં ખાસ્સુ આકર્ષણ જમાવ્યું હતું. બહુત હુઈ મહંગાઈ કી માર બસ કરો ભાજપ સરકાર જનઆક્રોશ રેલી અંતર્ગત ઉંટલારીમાં બાઈક રાખીને મોંઘવારી સામે ટાઉન હોલથી નહેરૂબ્રિજ સુધી મોટી સંખ્યામાં કાર્યકરો-આગેવાનો અને સામાન્ય નાગરિકો સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણી અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સહામંત્રી અને ગુજરાતના સંગઠનના પ્રભારી રાજીવ સાતવ જોડાયા હતા. પેટ્રોલ-ડીઝલ સી.એન.જી. પી.એન.જી.માં મોદી સરકાર દ્વારા ચલાવવામાં આવતી લૂંટ અને કાળઝાળ મોંઘવારીથી જનતા ત્રાહીમામ છે. લોકસભાની ચૂંટણી પૂર્વે વડાપ્રધાન એમ કહેતા કે ૧૦૦ દિવસમાં મોંઘવારી હટાવીશું આવા વચનોથી ઉલટ મોંઘવારી ઘટવાના બદલે જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં સરેરાશ ૧૦૦થી ૪ર૦ ટકાનો વધારો થયો છે. પ્રજા મોંઘવારીથી ત્રસ્ત છે અને ભાજપ સરકાર મોદી સરકાર ઉત્સવોમાં મસ્ત છે. અચ્છે દિનના વાયદા બહુત હુઈ મહંગાઈ કી માર અબકી બાર જેવા રૂપાળા સૂત્રોથી સત્તા મેળવનાર ભાજપ સરકારે ૧રપ કરોડ દેશવાસીઓ અને ગુજરાતના ૬ કરોડ નાગરિકોને મોંઘવારીના એક પછી એક માર આપીને ગરીબ સામાન્ય મધ્યમવર્ગના પરિવાર માટે જીવન દુષ્કાર બનાવી દીધું છે. છેલ્લા ત્રણ વર્ષમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડો છતાં મોદી સરકારના આશીર્વાદથી ઓઈલ કંપનીઓએ દેશના નાગરિકો પાસેથી ૯૦,૦૦૦ કરોડ જેટલી માતબર રકમ લૂંટી લીધી છે આંતરરાષ્ટ્રીય ક્રુડના ભાવો ધ્યાનમાં લઈએ તો દેશના ૧રપ કરોડ નાગરિકોને પેટ્રોલ રૂા.૪૦ અને ડીઝલ રૂા.૩રના ભાવે આપી શકાય તેમ છે પણ મોદી સરકારની જનવિરોધી નીતિના પરિણામે ઓઈલ કંપનીઓ કરોડો રૂપિયા ગ્રાહકો પાસેથી વસૂલ કરીને મોટી નફાખોરી કરી રહ્યા છે. પેટ્રોલ-ડીઝલ સહિતના મોંઘવારીના માસથી પ્રજાને રાહત આપવા માટેની આક્રોશ રેલીમાં ધારાસભ્યો, પૂર્વ સાંસદો, મહિલા કોંગ્રેસ, સેવાદળ, એનએસયુઆઈ યુવક કોંગ્રેસ અને સ્થાનિક કોર્પોરેટરો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા અને મોંઘવારી વિરૂધ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા મોંઘવારીના રાક્ષસને અને મોદી સરકારની નીતિને પ્રતિકાત્મક રીતે ફાંસી આપીને અનોખો ાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

ઊંટગાડા અને પદયાત્રા દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો વિરોધ

કેન્દ્ર સરકારે કર્ણાટકની ચૂંટણી જીતવા દબાવી રખાયેલા પેટ્રોલ-ડીઝલના ભાવો ચૂંટણીના પરિણામો આવતા જ છોડી દીધેલી સ્પ્રીંગની જેમ રોકેટ ગતિએ વધારી દીધા છે કેન્દ્રની યુપીએ સરકારના શાસનના રપ-પ૦ પૈસા કે ૧ રૂપિયો ભાવ વધે તો રસ્તા પર ઉતરી આવતા ભાજપના નેતાઓના બે પાંચ રૂપિયા વધારો થતો હોવા છતાં પેટનું પાણી હલતું નથી. હાલમાં જ વધેલા પેટ્રોલ-ડીઝલના બેફામ ભાવ વધારાનો વિરોધ કરવા કોંગ્રેસ દ્વારા અનોખો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંજે પઃ૩૦ કલાકે કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરોએ એમ.જે. લાયબ્રેરી માટે ઉપસ્થિત કરી ઊંટગાડા ઉપર બાઈક મુકી પગપાળા રેલી કાઢી હતી. જે નહેરૂબ્રિજના છેડે પેટ્રોલપંપ સુધી ગઈ હતી જ્યાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે બાઈકમાં પેટ્રોલ પુરાવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, પ્રભારી રાજીવ સાતવની ઉપસ્થિતમાં ભાવ વધારાનો ઉગ્ર વિરોધ કરી દેખાવો કરવામાં આવ્યા હતા.