(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૪
પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત ૧૧મા દિવસે વધારો ઝીંકવામાં આવ્યો છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અનુસાર દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૭૭.૪૭ રૂપિયા પ્રતિ લિટર જ્યારે મુંબઇમાં ૮૫.૨૯ રૂપિયા પ્રતિ લિટર થઈ છે. બીજી તરફ દિલ્હીમાં ડીઝલની કિંમત ૬૮.૫૩ જ્યારે મુંબઇમાં ૭૨.૯૬ રૂપિયા પ્રતિ લિટર થઇ છે. બુધવારે એચપીસીએલના મેનેજિંગ ડાયરેક્ટર મુકેશકુમાર સુરાનાએ જણાવ્યું હતું કે, જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ઇંધણોના ભાવો વધ્યા છે જ્યારે સામાન્ય લોકોને સૌથી ઉચ્ચ સ્તરે પહોંચેલા ભાવો સામે લાભ આપવા માટે સરકારે ઇંધણો પર લેવાતા કર અંગે સમીક્ષા કરવી જોઇએ. સુરાનાએ આ સાથે જ ઇંધણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન કે અન્ય કોઇ મંત્રી સાથે ભાવ ઘટાડવા માટે કોઇ પણ પ્રકારની વાતચીત નથી થઇ. આ પહેલા એવા અહેવાલો આવ્યા હતા કે, સરકાર આ અંગે ચર્ચા કરવા માટે ઓઇલ કંપનીના પ્રતિનિધિઓને મળશે. સુરાનાએ કારણ દર્શાવતા જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલની કિંમતો વધી હોવા છતાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઘણા ઓછા નફા સાથે કામ ચલાવી રહી છે. અમારે વાર્ષિક યોજનાની સાથે વિકાસ યોજનાનું સંતુલન રાખી ખૂબ સાચવીને ચાલવું પડે છે. આ સમસ્યાના ઉકેલ માટે ઓઇલ કંપની, સરકાર અને વપરાશકારના બજેટનું સંતુલન જાળવી રાખવું જોઇએ. બીજી તરફ જ્યારે પણ ઇંધણોના ભાવ વધે છે ત્યારે ગ્રાહકોનો ગુસ્સો ફૂટી નીકળે છે જ્યારે સરકાર આ ભાવવધારામાં પણ પોતાના ઉચ્ચ ટેક્ષ વસૂલ કરતી હોય છે. સુરાનાએ કહ્યું કે, ઇંધણોમાં કરના સુધારા પર ભાર મુકવો જ જોઇએ. એક્સાઇઝ ડ્યૂટી સાથે રાજ્યોને વેટમાં પણ ઘટાડો કરવા નિર્દેશ આપવા જોઇએ. મંગળવારે ભાજપના અધ્યક્ષ અમિત શાહે જણાવ્યું હતું કે, પેટ્રોલના ભાવોને અંકુશમાં લેવા માટે યોજનાઓ તૈયાર કરવામાં આવી રહી છે. અમિત શાહે એમ પણ જણાવ્યું હતું કે, સરકારના અધિકારીઓ આ અંગે ગંભીરતાથી વિચારી રહ્યા છે. પેટ્રોલિયયમ પ્રધાન આ અંગે ઓઇલ કંપનીના અધિકારીઓ સાથે બેઠક કરશે. અમે આગામી ત્રણ ચાર દિવસમાં ઇંધણોના ભાવો ઓછા કરવાની ફોર્મ્યુલા શોધી કાઢીશું.