નવી દિલ્હી, તા.૧૦
પીએમ મોદીએ મંગળવારે મોતિહારી અમલેખગંજ પેટ્રોલિયમ ઉત્પાદ પાઈપલાઈનનું ઉદ્ધાટન કર્યું. આ દક્ષિણ એશિયાની પહેલી ક્રોસ બોર્ડર પેટ્રોલિયમ ઉત્પાદની પાઈપલાઈન છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે મોતિહારી અમલેખગંજ પેટ્રોલિયમ ઉત્પાદ પાઈપલાઈનનું ઉદ્ધાટન કર્યું. આ દક્ષિણ એશિયાની પહેલી ક્રોસ બોર્ડર પેટ્રોલિયમ ઉત્પાદની પાઈપલાઈન છે. પીએમ મોદીએ નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની સાથે વીડિયો કોન્ફરન્સિંગની મદદથી આ પાઈપલાઈનનું ઉદ્ધાટન કર્યું હતું.
આ સમયે પીએમ મોદીએ કહ્યું કે ૨૦૧૫ના વિનાશકારી ભૂકંપ બાદ જ્યારે નેપાળે પુનનિર્માણનું બીડું ઉઠાવ્યું ત્યારે ભારતે પડોશી અને નજીકના મિત્રના નાતે પોતાના હાથ સહયોગ માટે આગળ વધાર્યા. મને આનંદ છે કે નેપાળના ગોરખા અને નુવાકોટ જિલ્લામાં અમારા સહયોગથી ફરી ઘર વસી રહ્યા છે. સામાન્ય લોકોના માથે ફરી છત મળી છે.
પીએમ મોદીએ કહ્યું કે આ ઘણા સંતોષનો વિષય છે કે દક્ષિણ એશિયાની પહેલી ક્રોસ બોર્ડર પેટ્રોલિયમ પાઈપલાઈન રેકોર્ડ સમયમાં પૂરી થઈ છે. જેટલી અપેક્ષા હતી તેનાથી અડધા સમયમાં કામ પૂર્ણ થયું છે. તેનું તમામ શ્રેય તમારા નેતૃત્વને, નેપાળ સરકારના સહયોગને અને અમારા સંયુક્ત પ્રયાસને જાય છે.