(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૦
પીએચડી કર્યા પછી પણ વિદ્યાર્થીઓ સફાઈ કર્મચારી તરીકે અરજી કરી રહ્યાં છે તે મુદ્દે માનવ વિકાસ સંસાધન મંત્રી પ્રકાશ જાવડકેર અને એક પ્રોફેસર વચ્ચે મતભેદ સર્જાયો હતો. એક બાજુ જાવડેકરે કહ્યું કે જો કોઈ પીએચડી કર્યા પછી પણ વિદ્યાર્થીઓ સફાઈ કર્મચારી તરીકે અરજી કરી રહ્યાં હોય તો તેનો અર્થ એવો થયો કે તેને કંઈ પણ ભણાવવામાં નથી આવ્યું. આ અંગે કાર્યક્રમમાં હાજર રહેલા એક પ્રોફેસરે એવું કહ્યું કે સરકાર રોજગારી પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે. એક કાર્યક્રમમાં આ વાત કહેવામાં આવી હતી. કાર્યક્રમમાં પ્રકાશ જાવડેકરે કહ્યું કે દુનિયાભરમાં પીએચડી સંસોધનનો અર્થ એવો થાય કે તેઓ જે કંઈ જાણે છે તેમાં કંઈ વધારાનું જાણવામાં આવે. પરંતુ ભારતમાં પહેલેથી જાણવામાં આવેલી વસ્તુને બીજી રીતે વ્યાખ્યા કરી દેવાને પીએચડી કહેવામાં આવે છે. જાવડેકેરની વાત પર કાર્યક્રમમાં હાજર રહેલા પ્રોફેસર વાય એસ લોને એવું કહ્યું કે જો પીએચડીવાળા સ્વીપરની નોકરી માટે અરજી કરી રહ્યાં હોય તો તેનો અર્થ સ્પષ્ટ છે કે સરકાર નોકરી દેવામાં નિષ્ફળ રહી છે. લોન જેએનયુના પ્રોફેસર છે. જાવડેકેરની વાત સાથે બીજા પણ લોકો સહમત નથી. ત્યાં હાજર રહેલા અશોક વર્મને કહ્યું કે પીએચડી કરનાર ઘણી રીતે સારૂ કામ કરી રહ્યાં છે. તેમણે આગળ કહ્યું કે ટોચની યુનિવર્સિટીમાં ભણાવનારને જો એવું પૂછવામાં આવે તો તેમાંના મોટાભાગના વિદ્યાર્થીઓએ ભારતીય યુનિવર્સિટીમાંથી પીએચડીની ડિગ્રી મેળવી છે. આ કાર્યક્રમમાં બીજા પણ લોકોએ પોતપોતાની વાત કહી હતી.