(એજન્સી) બેઈજિંગ, તા.૩૧
ફિલિપાઈન્સમાં મૂશળધાર વરસાદને કારણે થયેલા ભૂસ્ખલન અને પૂરના કારણે અત્યાર સુધી ૬૧ લોકોએ જીવ ગુમાવ્યા છે. સ્થાનિક સમાચાર એજન્સીએ રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સમિતિના અહેવાલનો હવાલો આપતા નોંધ્યું હતું કે, બિકોલ વિસ્તારમાં પ૦ અને ઈસ્ટર્ન વિસ્તારમાં ૧૧નાં મોત થયા છે. બંને વિસ્તારોમાં ઓછામાં ઓછા ૧૮ લોકો ગુમ થવાની માહિતી છે. સમિતિ પૂરગ્રસ્ત વિસ્તારોની સતત દેખરેખ કરી રહી છે અને જરૂરી સંસાધનો પૂરા પાડવાનો પ્રયત્ન કરી રહી છે. સમિતિએ મૃત્યુઆંકમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરી છે.
સમિતિના અહેવાલ મુજબ ૧પ૦ વિસ્તારોના ૭૯,૦૦૦ લોકો પૂર અને ભૂસ્ખલનની અસર હેઠળ છે. પરિવારો માટે ફૂડ પેકેટ અને અન્ય પ્રાથમિક જરૂરિયાતનો સામાન ફિલિપાઈન્સ સામાજિક કલ્યાણ અને વિકાસ મંત્રાલય દ્વારા પૂરો પાડવામાં આવી રહ્યો છે.