(એજન્સી) નવી દિલ્હી, તા.૬
રવિવારે રાતે જેએનયુ યુનિવર્સિટી કેમ્પસમાં માસ્કધારી ગુંડાઓ દ્વારા વિદ્યાર્થીઓ પર હુમલાની થોડી મિનિટોમાં જ વીડિયો અને ફોટાઓનો ઘોડાપુર આવ્યો હતો જેમાં એક વીડિયોમાં સ્પષ્ટ રીતે સમજાઇ જાય છે કે, હુમલામાં ભાજપની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સભ્યો સામેલ હતા. આ હુમલામાં ૪૦ જેટલા વિદ્યાર્થી તથા શિક્ષકો ઘાયલ થયા હતા. એક ફોટામાં એબીવીપીની કાર્યસમિતીના સભ્ય વિકાસ પટેલ દેખાયો છે જે લાકડીઓ અને હથિયારો સાથેના લોકો સાથે લાકડી હાથમાં લઇને દેખાયો છે. તેની પાસેબ્લૂ શર્ટ અને પીળા સ્વેટરશર્ટ પહેરેલ વિદ્યાર્થી શિવ પૂજન મંડલ તરીકે ઓળખાયો હતો,જે જેએનયુમાં બીએના પ્રથમ વર્ષનો વિદ્યાર્થી છે. પટેલ પાસે પણ ફાયબરની લાકડી હતી જે દિલ્હી પોલીસ પાસે સામાન્ય રીતે હોય છે. આ ફોટા જેએનયુમાં હુમલા દરમિયાન લેવાયા હોવાનું જણાય છે. મંડલ પણ લાઠીઓ સાથેના એક અન્ય જૂથ સાથે ઉભેલા બીજા ફોટામાં દેખાય છે જ્યારે તેઓ કેમ્પસમાં ઘૂસી રહ્યા હતા. બીજી તરફ ફોટા અને વીડિયો બહાર આવ્યા બાદ પટેલ અને મંડલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ડીલીટ કરી નાખ્યા છે. જેએનયુ કેમ્પસમાં ડાબેરી વિદ્યાર્થીઓ પર હુમલા અંગે ચર્ચામાં એબીવીપીના સભ્યો સાથે વોટ્સએપ પરના સ્ક્રીનશોટમાં દેખાયો છે. જેએનયુમાં સંસ્કૃતનો વિદ્યાર્થી યોગેન્દ્ર ભારદ્વાજ પણ અન્યો સાથે ચેટ કરતો જણાયો છે જ્યારે પીએચડી વિદ્યાર્થી સંદીપ સિંહ પણ ચેટિંગ કરતો જણાયો છે. ભારદ્વાજે પણ પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ડીલીટ કર્યું છે. પણ એબીવીપીના સભ્ય તરીકે તેના ટિ્વટર એકાઉન્ટનો સ્ક્રીનશોટ બહાર આવી ગયો છે. સંદીપસિંહે પણ પોતાનું એકાઉન્ટ બંધ કરી દીધું છે. વોટ્સએપની ચર્ચામાં સંદીપે લખ્યું હતું કે, ડાબેરી આતંકનો અંત કરી દો અને આપણે તેમને પકડીને મારવા જોઇએ. આ ત્રણેય વિદ્યાર્થીઓ જ્યારે ચેટિેંગ કરતા હતા જ્યારે ખાસ કરીને દિલ્હી યુનિવર્સિટીમાંથી પણ તેમને સમર્થન મળી રહ્યું હતું. એબીવીપીએ આ હિંસામાં પોતાની ભૂમિકા નકારી છે અને કહ્યું છે કે, વોટ્સએપ ચર્ચાને મોર્ફ કરાઇ છે. તેમણે ડાબેરી વિદ્યાર્થીઓ પર હિંસાનો આરોપ મુક્યો છે.
JNU હુમલામાં ભાજપની વિદ્યાર્થી પાંખ સંકળાયેલી હોવાના ફોટાઓમાં સંકેત

Recent Comments