(એજન્સી) પટના, તા.૧૩
પટના આશ્રયગૃહમાં અનિયમિતતાના કારણે ધરપકડ કરાયેલા મનિષા દયાલની કહાની ચોંકાવનારી છે. જણાવાઈ રહ્યું છે કે મનિષા દયાલ માત્ર એક એનજીઓના માધ્યમથી અરબોપતિ બનવાની સાથે-સાથે હાઈ-પ્રોફાઈલ લાઈફ પણ જીવવા લાગી. એક વર્ષની અંદર જ મનિષાની પાસે આલિશાન મકાન અને ગાડીઓ આવી ગઈ. ઘણા મોટા નેતાઓ સાથે તેના સંબંધો બંધાવા લાગ્યા. ઘણી સંસ્થાઓમાં મનિષાને સામેલ કરી લેવામાં આવી. સોશિયલ મીડિયા પર ભૂતપૂર્વ મંત્રી શ્યામ રજક સહિત અન્ય નેતાઓની સાથે મનિષા દયાલની તસવીરો વાયરલ થઈ રહી છે. આ વાયરલ તસવીર પર શ્યામ રજકે કહ્યું કે, હા, હું મનિષ દયાલને જાણું છું. એક કાર્યક્રમ દરમિયાન મારી મુલાકાત તેમની સાથે થઈ હતી. મારે મનિષા સાથે કોઈ લેવા-દેવા નથી. આ કેસની તપાસ થાય એટલે સત્ય બહાર આવી જશે. એમપી પપ્પુ યાદવે કહ્યું કે, મનિષા દયાલ અને બ્રજેશ ઠાકુરના પણ સંબંધો રહ્યા છે. આખરે પ્રશ્ન એ ઊભો થાય છે કે, બે વર્ષોમાં મનિષા દયાલનું આટલું હાઈ-પ્રોફાઈલ કનેકશન કેવી રીતે થઈ ગયું. બિહારના રાજકારણમાં એવા કોઈ નેતા નથી કે જેની સાથે મનિષા દયાલના સંબંધ ના હોય. વરિષ્ઠ પત્રકાર કન્હૈયા ભેલારીએ મનિષા દયાલનો ફોટો પોસ્ટ કરતા લખ્યું છે કે આશ્રિતોને બિન-આશ્રિત કરીને ના જા મનિષા. ડરો નહીં, ટૂંક સમયમાં કેબિનેટનો વિસ્તાર થવાનો છે… તું જાનથી પ્યારી છે… જાણકારોનું માનીએ તો આ ટિપ્પણી શ્યામ રજક પર છે. મંત્રી મંજુ વર્માના રાજીનામા બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, નીતિશ સરકારમાં કેબિનેટનો વિસ્તાર થવા જઈ રહ્યો છે. શક્ય છે કે શ્યામ રજકને પણ મંત્રી બનાવવામાં આવે. મુઝફ્ફરપુર કાંડ મામલે સીબીઆઈની તપાસ થઈ રહી છે તો બીજી તરફ પટના આશ્રયગૃહમાં અનિયમિતતા મામલે મનિષા દયાલ સહિત બેની ધરપકડ કરાઈ છે.