(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૧
શહેરના અમરોલી કોસાડ-ભરથાણા વિસ્તારમાં રવિવારે એક યુવાનની લોક ટોળાએ કરેલી કરપીણ હત્યાના બનાવમાં અમરોલી પીઆઈ ખિલેરીએ સ્થાનિક લોકો સાથે અભદ્ર વર્તન કરતા લોકટોળુ શહેર પોલીસ કમિશનરને રૂબરૂમાં મળવા ગયું હતું. પોલીસ કમિશનર સતીષ શર્માએ હત્યારાઓની ઝડપથી ધરપકડ તેમજ પીઆઈ ખિલેરી વિરૂદ્ધ કાર્યવાહી કરવાની બાંહેધરી આપતા ટોળા તથા મૃતકના સગા સંબંધીઓએ મૃતકનો કબજો લઈ અંતિમ સંસ્કાર કરવાની કાર્યવાહી કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના અમરોલી કોસાડ-ભરથાણા ખાતે રહેતા અને રેલવેમાં છુટક ટિકિટનું વેચાણ કરતા લચ્છુભાઈ મગનભાઈ બગાડાએ જણાવ્યું હતું કે, રવિવારે રાત્રે આઠથી નવ વાગ્યાના સુમારે કોસાડ – ભરથાણા કોસાડ રામનગર સોસાયટી ખાતે રહેતાં દિનેશભાઈ કાળુભાઈ કછાવાના ઓટલા પર ત્રણેક જણાં દારૂ પીતા હતા. ત્યારે દિનેશભાઈ કછાવાએ તેઓને ઘોંઘાટ તેમજ દારૂ પીવાની ના પાડતા તેઓએ તારા બાપનો ઓટલો છે તેમ જણાવી ઝઘડો શરૂ કર્યો હતો. ત્યારબાદ આઠ થી નવ ઈસમોએ લાકડાના ફટકા તેમજ હોકી વડે દિનેશને માર મારી હત્યા કરી નાંખી હતી. આ બાબતે અમરોલી પોલીસે હત્યારાઓના નામ લખાવવા ગયેલા વ્યક્તિઓ સાથે પીઆઈ ખિલેરીએ ઉદ્ધત વર્તન કરતા તેમના વિરૂદ્ધ ૧૦૦ થી ૧૫૦ વ્યક્તિઓનું ટોળું સી.પી.કચેરીએ પહોંચી પીઆઈ ખિલેરી વિરૂદ્ધ રજૂઆત કરી હતી. જોકે પોલીસ કમિ. સતીષ શર્માએ આશ્વાસન આપતા મામલો શાંત પડ્‌યો હતો. આ લખાય છે ત્યારે અમરોલી પોલીસે મુકેશ ચીચી, બિશન ચીચી, બબલુ બગાડા, વકીલ ચાવડા વગેરેઓની ધરપકડ કરી હતી તથા બાલાબેને મૃતકનું ગુપ્તાંગ પણ દબાવી દીધું હોવાનું જાણવા મળ્યું હતું.