અમદાવાદ, ૨૦
સીઆઇડી ક્રાઇમ, અમદાવાદ ઝોનમાં આરોપીઓ વિરૂધ્ધ નોંધાયેલા ગુના સંદર્ભે આરોપીઓની ધરપકડ નહી કરવા અને તેઓને ગેરકાયદે સવલતો આપવા અંગે આરોપીપક્ષ પાસેથી રૂ.પાંચ કરોડની લાંચની માંગણી કરવાના પ્રકરણમાં સંડોવાયેલા સીઆઇડી ક્રાઇમના પીઆઇ ઇરફાનુદ્દીન ઇમુદ્દીન શેખની આગોતરા જામીન અરજી આજે એડિશનલ સેશન્સ જજ નીપા સી.રાવલે આકરા વલણ સાથે ફગાવી દીધી હતી. સેશન્સ કોર્ટે આરોપી પીઆઇ શેખના ગુનાની ગંભીરતા, તેની વિરૂધ્ધના પ્રથમદર્શનીય ગુના અને જો આરોપીને જામીન અપાય તો, સમાજ પર ખાસ કરીને આ પ્રકારના કૃત્ય આચરતા અને ભ્રષ્ટાચાર આચરતા કર્મચારીઓ પર પડનારી ગર્ભિત અસરોને ધ્યાનમાં લઇ આરોપી પોલીસ અધિકારીને આગોતરા જામીન આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. આ કેસની વિગત એવી છે કે, ૨૦૧૬માં રાજેન્દ્ર જેઠાભાઇ કેશવાણી તથા અન્યો વિરૂધ્ધ સીઆઇડી ક્રાઇમમાં નોંધાયેલા ગુના સંદર્ભે તેમની ધરપકડ નહી કરવા અને ગેરકાયદે સવલતો પૂરી પાડવા માટે સીઆઇડી ક્રાઇમના પીઆઇ આઇ.આઇ.શેખે રૂ.પાંચ કરોડની લાંચની માંગણી કરી હતી. ભારે રકઝક અને સમજાવટ બાદ પીઆઇ શેખે રૂ. બે કરોડની લાંચની માંગણી કરી હતી. પીઆઇ શેખની લાંચની માંગણી સહિતની વાતો આરોપી રાજેન્દ્ર કેશવાનીના વકીલ હિતેષ ગુપ્તાએ મોબાઇલ ફોનમાં રેકર્ડ કરી લીધી હતી અને તેના પુરાવા રજૂ કરાતા આખરે એસીબીમાં પીઆઇ આઇ.આઇ.શેખ વિરૂધ્ધ ગુનો નોંધાયો હતો. આ પ્રકરણમાં આરોપી પીઆઇ આઇ.આઇ.શેખે સેશન્સ કોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજીનો સરકારપક્ષ દ્વારા સખત વિરોધ કરાયો હતો અને જણાવાયું હતું કે, આરોપી પીઆઇ એક સરકારી અધિકારી અને જાહેરસેવક હોવાછતાં તેમણે હોદ્દાનો દૂરપયોગ કર્યો છે. વળી, આરોપી અગાઉ પણ આ પ્રકારના ગુનામાં સંડોવણી ધરાવે છે. તેઓ પોલીસ અધિકારી અને કાયદાના જાણકાર હોવાથી તપાસમાં સાથ સહકાર આપતા નથી. વળી, જે વાતચીત રેકર્ડ થઇ છે, તેમાં ગુજરાત હાઇકોર્ટ વિરૂધ્ધ પણ અપશબ્દો બોલે છે. સમગ્ર વાતચીતની સ્ક્રીપ્ટ ધ્યાને લેતાં આરોપી પીઆઇની ગુનાહિત માનસિકતાનો ખ્યાલ આવી જાય છે. આરોપી પીઆઇ અગાઉ પણ આ પ્રકારે લાંચ માંગવાના તેમ જ ખોટી ધમકી આપવાના પ્રકરણમાં સંડોવાયેલા છે અને આ પ્રકારના ગુનાહિત કૃત્યની ટેવવાળા છે, આરોપી વિરૂધ્ધના ગુનાની ગંભીરતા જોતાં તેમને કોઇપણ સંજોગોમાં જામીન આપી શકાય નહી. સરકારપક્ષની આ દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી પીઆઇ આઇ.આઇ.શેખના આગોતરા જામીન ફગાવી દીધા હતા.