(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૫
૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીઓ પહેલા કોંગ્રેસના નેતૃત્વ હેઠળ એક વિશાળ અને સંગઠિત વિપક્ષની કોઇ શક્યતા જણાતી ન હતી પરંતુ વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી અંગેનો દાવો જતો કરવા કોંગ્રેસ તૈયાર થઇ ગઇ હોવાથી સામાન્ય ચૂંટણીઓમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએ માટે મોટો પડકાર ઉભો કરવા માટે વધુ વિરોધ પક્ષો જોડાય તેવી સંભાવના છે. રાહુલ ગાંધી વડાપ્રધાનપદના ઉમેદવાર હોવાથી અત્યાર સુધી મોટાભાગના વિરોધ પક્ષો કોંગ્રેસ સાથે જોડાણ કરવાનો ઇનકાર કરતા હતા. પીએમપદ માટે રાહુલ ગાંધીની દાવેદારીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો ત્યારે બંને પ્રસંગે કોંગ્રેસ સાથે જોડાણ કરવાથી મોટાભાગના વિરોધ પક્ષો દૂર રહ્યા હતા.
મે મહિનામાં કર્ણાટક વિધાનસભાની ચૂંટણીઓના પ્રચાર વખતે રાહુલ ગાંધીએ એવો દાવો કર્યો હતો કે જો ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીઓમાં તેમના પક્ષને મહત્તમ સીટ મળશે તો તેઓ વડાપ્રધાન બનશે. રાહુલ ગાંધીની આ જાહેરાતને નોન-એનડીએ અને નોન-યુપીએ જ નહીં પરંતુ કોંગ્રેસમાંથી પણ નીરસ બહાલી મળી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા એહમદ પટેલે રાહુલના દાવાને ટેકો આપ્યો હતો અને જણાવ્યું હતું કે તેમના પક્ષ તરફથી રાહુલ ગાંધી વડાપ્રધાનપદના ઉમેદવાર હશે. ૨૦૧૯ની લોકસભાની ચૂંંટણીઓમાં અખિલેશ યાદવના નેતૃત્વવાળી સમાજવાદી પાર્ટી, માયાવતીના નેતૃત્વવાળી બહુજન સમાજ પાર્ટી અને લાલુ પ્રસાદના રાષ્ટ્રીય જનતા દળ જેવા ત્રણ મહત્વના વિરોધ પક્ષોએ પીએમપદના ઉમેદવાર તરીકે રાહુલ સાથે કોંગ્રેસને સમર્થન આપવા અંગે ઉડાઉ જવાબ આપ્યો હતો.