(એજન્સી) તા.ર૦
ઓસ્ટ્રેલિયન સાંસદના માથા પર ઈંડુ ફોડનારા યુવકનું કહેવું છે કે, જે લોકોએ અદાલતી કાર્યવાહી માટે તેના ખાતામાં પૈસા જમા કરાવ્યા છે, તે તેને ન્યૂઝીલેન્ડમાં આતંકવાદી હુમલામાં પીડિત મુસ્લિમો માટે ખર્ચ કરશે.
તુર્કીની અનાતોલી ન્યૂઝ એજન્સીની રિપોર્ટ મુજબ ૧૭ વર્ષીય વિલ કોનોલીએ મુસ્લિમોની વિરૂદ્ધ જાતિવાદી તેમજ ભેદભાવપૂર્ણ ટિપ્પણીથી દુઃખી થઈને ઓસ્ટ્રેલિયન સાંસદના માથા પર ઈંડુ ફોડ્યું હતું. ઓસ્ટ્રેલિયન સાંસદે ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ શહેરમાં બે મસ્જિદો પર થયેલા આતંકી હુમલા પછી મુસ્લિમોની વિરૂદ્ધ ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, મુસ્લિમ અપ્રવાસીઓએ ઓસ્ટ્રેલિયન અને ન્યૂઝીલેન્ડની સંસ્કૃતિને પ્રભાવિત કરી છે. જેના કારણે ક્રાઈસ્ટચર્ચ હુમલો થયો છે.
સમાચાર મુજબ કોનોલીએ સાંસદ ટિપ્પણી પછી પાછળથી તેના માથા પર ઈંડુ ફોડ્યું હતું. ત્યારબાદ રોષે ભરાયેલા સાંસદ એ તેને માર્યો હતો. ઘટના પછી પોલીસે થોડાક સમય માટે કોનોલીને કસ્ટડીમાં લઈ લીધો હતો, પરંતુ તેના તરત પછી તેને છોડી દીધો હતો. કોનોલીના વકીલનું કહેવું છે કે, સાંસદ ફ્રેજર અનિંગએ ૧૮ વર્ષથી ઓછી ઉંમરના તેમના અસીલ પર હુમલો કરી દીધો હતો અને તેની સાથે મારપીટ કરી હતી. તે માટે સાંસદને અદાલતમાં ખેંચવામાં આવે.
આ ઘટના પછી આ ઓસ્ટ્રેલિયન યુવકની મદદ માટે એક ઓનલાઈન અભિયાન શરૂ કરવામાં આવ્યું, જેની હેઠળ અત્યાર સુધી પ૦ હજાર ડોલરની રકમ એકઠી થઈ છે. કોનોલીનું કહેવું છે કે, તે આ રકમ ન્યૂઝીલેન્ડ આતંકવાદી હુમલાના પીડિતોની મદદ માટે દાન કરી દેશે.