(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૯
ભાજપના નેતા જયંતી ભાનુશાળી સામે બળાત્કારની ફરિયાદ કરનાર પીડિતા આજે અચાનક પોલીસ કમિશનર સતીષ શર્માને મળવા પહોંચતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. જોકે આ પીડિતાને પોલીસ કમિશનર કચેરીના પ્રવેશદ્વાર ઉપર અટકાવી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. શહેરના નાના વરાછા વિસ્તાર ખાતે રહેતી પિડીત યુવતીએ ભાજપના નેતા જયંતી ભાનુશાળી સામે બળાત્કારનો આક્ષેપ કરતી અરજી સુરત પોલીસને કરતા રાજકીય માહોલ ગરમાઇ જવા પામ્યો હતો. ત્યારબાદ પોલીસે આ અરજીના તપાસ અર્થે પીડિતાની શોધખોળ કરતા મળી આવી ન હતી. બીજી તરફ પીડિતાના નામથી આ અરજી હાલ મોકુફ રાખવાની અરજી સોશ્યલ મીડિયામાં ફરતી થઈ હતી. જેને પગલે સ્થાનિક પોલીસ પણ અવઢવમાં મુકાઈ ગઈ હતી. દરમિયાન આજે બપોરે અચાનક આ પીડિતા યુવતી અઠવાલાઈન્સ સ્થિત પો.કમિશનર ભવન ખાતે પહોંચી હતી. જ્યાં પો.કમિ. સતીષ શર્માને મળવાનો આગ્રહ રાખ્યો હતો. જોકે પોલીસ ભવન ખાતે બંદોબસ્તમાં તૈનાત પોલીસ કર્મીઓએ આ પીડિત યુવતીને અટકાવી રાખી છે. આ પીડિતા પો.કમિશનરને શું રજૂઆત કરવા આવી છે ? એ જાણી શકાયું નથી.પરંતુ પીડિતાને પો.કમિશનરને મળવા દેવાઈ ન હતી અને તુરંત જ આ પીડિતાને ક્રાઈમ બ્રાન્ચ ચોક ખાતેની ઓફિસે લઈ જવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.