(એજન્સી) તા.૨૮
૧૯ ડિસેમ્બરના રોજ નાગરિકતા કાયદા વિરોધી દેખાવો દરમિયાન મૃત્યુ પામેલાં પીડિતોના પરિવારજનોએ દાવો કર્યો હતે કે પોલીસે જ દેખાવકારો પર ગોળીબાર કરી દીધો હતો અને આ દરમિયાન છ દેખાવકારો મૃત્યુ પામી ગયા હતા જ્યારે અનેક ઘવાયા હતા.
જોકે મેરઠની પોલીસના જણાવ્યાનુસાર દેખાવો દરમિયાન પાંચ લોકો મૃત્યુ પામ્યા હતા. તદઉપરાંત નેશનલ હેરાલ્ડ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં ખૂલાસો થયો હતો કે ગોળીબારમાં લગભગ છ લોકો મૃત્યુ પામ્યા અને અન્ય ચારથી પાંચ જણાં પોલીસના ગોળીબારમાં ઘવાયા હતા.
નેશનલ હેરાલ્ડે આ દરમિયાન પીડિતોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું કે મોટાભાગના લોકોને પીઠ ઉપરના ભાગે ઈજા થઇ હતી. જો પીડિતોને ખરેખર પોલીસ દ્વારા જ ગોળી મારવામાં આવી છે તો આ સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિજરનું ઉલ્લંઘન ગણાશે. કેમ કે પોલીસ દેખાવકારો પણ પીઠના ઉપરના ભાગે ગોળીબાર ન કરી શકે. યુપી પોલીસના ડિેરક્ટર જનરલ ઓ.પી.સિંહ સતત કહી રહ્યાં છે કે અમારા માણસોએ કોઈ ફાયરિંગ કર્યુ નથી. રાજ્યના કોઈપણ ભાગમાં આવી કોઈ ઘટના બની નથી કે જેમાં પોલીસે ફાયરિંગ કર્યુ હોય. તદઉપરાંત વીડિયો પણ વાઈરલ થયો છે જેમાં પોલીસ ફાયરિંગ પકડાઈ ગઈ છે. ૪૪ વર્ષના ઝહીરના પિતા મુન્શીએ કહ્યું હતું કે ઝહીર જાલી વાલી ગલીમાં રહેતો હતો અને તે રોજ કમાઈને ઘરનું ગુજરાન ચલાવતો હતો. તેને માથામાં ગોળી વાગી હતી અને તેના કારણે તે મૃત્યુ પામ્યો. તે ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયો હતો. તેને ક્લોઝ રેન્જ પર પોલીસે ગોળી મારી હતી. ઝહીરની દીકરી કહે છે કે મારા પિતાની પોલીસે ઠંડા કલેજે હત્યા કરી હતી. જોકે આસિફના પરિવારજનો કહે છે કે તે રિક્ષા ચલાવતો હતો. દિલ્હીમાં કામ કરતો હતો. તે શુક્રવારે મેરઠ આવ્યો હતો અને નમાઝ પઢી પાછો આવી રહ્યો હતો. તે ઘરે હતો ત્યારે જ દેખાવો શરૂ થયા હતા. તે દેખાવોમાં જોડાયો નહોતો. તે નમાઝ પઢવા ગયો પણ પાછો જ ના આવ્યો. ત્યારબાદ તેના મોતના સમાચાર આવ્યા હતા.