(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૨
આસોજ પાસે નર્મદા કેનાલમાં હાથ-પગ ધોવા ઉતરેલા એરફોર્સનાં પાયલોટ સમીર સુશિલ પ્રભાકરનું ડુબી જતા લાપત્તા થયા બાદ શનિવારની સવારે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. જરોદ હોસ્પીટલ ખાતે મરનાર પાયલોટ સમીર પ્રભાકરનાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા બાદ તેમના પરિવારને મૃતદેહનો કબ્જો સુપ્રત કરવામાં આવ્યો હતો. વાઘોડીયા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.
પ્રાપ્ત થતી વિગત અનુસાર દરજીપુરા એરફોર્સ ખાતે પાયલોટ તરીકે ફરજ બજાવતા સમીર સુશીલ પ્રભાકર અને તેમના પરિવારનાં સભ્યો હાલોલ રોડ પર ગયા હતા અને ત્યાંથી પરત રવાના થયા હતા. આસોજ પાસે નર્મદા કેનાલ પસાર થતી હોય પાયલોટ સમીર પ્રભાકર ત્યાં રોકાઇ ગયા હતા. પત્ની અને બાળકોને ત્યાં ઉભા રાખી પાયલોટ સમીર પ્રભાકર નર્મદા કેનાલમાં હાથ-પગ ધોવા નીચે ઉતર્યા હતા. જોકે શરીરનું સંતુલન ગુમાવી દેતા પાયલોટ સુનીલ પ્રભાકર કેનાલનાં પાણીમાં ખાબક્યા બાદ તેઓ લાપત્તા થયા હતા.
ફાયર બ્રિગેડ તથા વાઘોડીયા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. આથી લાશ્કરોની ટુકડી અને પોલીસ કાફલો દોડી આવ્યો હતો. કેનાલમાં ડુબી ગયા બાદ લાપત્તા પાયલોટને શોધવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે લાપત્તા પાયલોટનો કોઇ સગડ નહીં મળતા લાશ્કરોની ટુકડી પરત આવી હતી. શનિવારની વહેલી સવારે પુનઃ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં લાપત્તા પાયલોટ સમીર પ્રભાકરનો મૃતદેહ મળી આવ્યો હતો. જરોદ હોસ્પીટલ ખાતે મરનાર સમીર પ્રભાકરનાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પરિવારજનોને મૃતદેહનો કબ્જો સુપ્રત કરવામાં આવ્યો હતો.