(સંવાદદાતા દ્વારા) ભૂજ, તા.પ
કચ્છમાં મુન્દ્રા તાલુકાના બેરાજા ગામની સીમમાં તા.પ-૬ની સવારે ૧૦.૩૦ વાગ્યાના અરસામાં જામનગર એરફોર્સનું જગુઆર વિમાન અચાનક તૂટી પડતા વિમાન સવારનું મૃત્યુ થયું હતું. કમનસીબે આકાશમાંથી આ વિમાન ખેતરમાં ચરી રહેલી ગાયોના ટોળા ઉપર પડતા ૧૦ જેટલી ગાયોના પણ કરૂણ મોત નિપજ્યા હતા જ્યારે ૧પ જેટલી ગાયો ઈજાગ્રસ્ત બની હતી.
આ સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત થયેલી વિગતો મુજબ જામનગર એરફોર્સ મથકના ચીફ સંજય ચૌહાણ તા.પ/૬ની સવારે ૯.૩૦ વાગ્યાના અરસામાં એરફોર્સનું જગુઆર વિમાન લઈને રૂટીન ઉડાનમાં નીકળ્યા હતા. આ વિમાન લગભગ એકાદ કલાકની ઉડાન દરમિયાન કચ્છમાં મુન્દ્રા તાલુકાના વિસ્તારમાં પહોંચ્યું હતું. તે દરમિયાન વિમાનમાં અચાનક ખામી સર્જાતા વિમાન જમીન તરફ ધસી ગયું હતું અને બેરાજા ગામની સીમમાં એક ખેતરમાં આવી તૂટી ગયું હતું. પૂરઝડપે આવી તૂટી પડેલા વિમાનમાં આગ લાગી ગઈ હતી અને વિમાનનો કાટમાળ આસપાસના વિસ્તારમાં વિખરાયો હતો. વિમાને તૂટતી વખતે ખેતરમાં ગાયોના ટોળાને પણ ઝપટે લેતાં વિમાન થકી ૧૦ જેટલી ગાયો સ્થળ ઉપર જ ભડથું થઈ ગઈ હતી જ્યારે ૧પથી પણ વધુ ગાયો ઈજાગ્રસ્ત બની હતી. તે દરમિયાન વિમાનના પાયલોટ એવા જામનગર એરફોર્સના એરચીફ સંજય ચૌહાણનું આ દુર્ઘટનામાં ગંભીર ઈજાના કારણે સ્થળ ઉપર જ મોત થયું હતું.
વિમાન તૂટી પડવાની ઘટનાની થોડી જ મિનિટોમાં જામનગરથી એરફોર્સનું અન્ય વિમાન મદદમાં આવી પહોંચ્યું હતું અને વિમાનના પાયલોટ સંજય ચૌહાણને તાત્કાલિક એરલીફ્ટ કરી જામનગર હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ તેઓને બચાવી શકાયા નહોતા.
બનાવના પગલે કચ્છ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને તાત્કાલિક અધિકારીઓ સહિત અગ્નિશામક દળ-એમ્બ્યુલન્સ સહિતની તાકીદની સેવાઓ ઘટના સ્થળે મોકલાવી હતી. વિમાન દુર્ઘટનામાં ઘાયલ ગાયોની સારવાર માટે પશુ તબીબોની ટીમ પણ મોકલી હતી. દરમિયાન, એરફોર્સના જવાનોએ વિમાનના કાટમાળમાંથી વિમાનનું બ્લેકબોક્ષ શોધી કાઢ્યું હતું. વિમાન તૂટી પડવાના કારણની તપાસ પણ કરવામાં આવી રહી છે.
આ વિમાન બેરાજા ગામની સીમમાં તૂટી પડ્યું હતું. થોડે જ દૂર જો ગામની માનવ વસ્તી વચ્ચે આ વિમાન તૂટ્યું હોત તો મોટી કરૂણાંતિકા સર્જાત.