અમદાવાદની વિદ્યાર્થિનીને પરીક્ષામાં પાસ કરવા ર૦ લાખ માંગ્યા

 

(સંવાદદાતા દ્વારા)              વડોદરા, તા.૨૮

વડોદરાથી વાઘોડીયા તરફ જતાં પીપળીયા ગામ સ્થિત સુમનદીપ વિદ્યાપીઠમાં તબીબનો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને પરિક્ષામાં પાસ કરવા રૂપિયા ૨૦ લાખની લાંચ માંગનાર સુમનદીપનાં કુલપતિ મનસુખલાલ શાહ સહિત તેના બે એજન્ટો રૂપિયા ૨૦ લાખની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડતા ખળભળાટ મચ્યો છે. મનસુખનો દોસ્ત પારૂલ યુનિયનો સંચાલક ડો.જયેશ શાહ બળાત્કારના કેસમાં ઝડપાયો હતો તે ઘટના તાજી છે.

વિગત અનુસાર અમદાવાદમાં વાસણારોડ ઉપર રહેતાં જાસ્મીનાબેન દિલિપભાઈ દેવરાની પુત્રી સુમનદીપ વિદ્યાપીઠમાં તબીબી અભ્યાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે સુમનદીપ વિદ્યાપીઠમાં મેડીકલની વિવિધ શાખાઓમાં પ્રવેશ માટે કરોડોનું ડોનેશન લેવામાં આવતુ હોવાનું જગ જાહેર છે. પ્રવેશ માટેનું ડોનેશન તો ખરૂ જ. પરંતુ વિદ્યાર્થીઓને પાસ કરાવવાના લાખો રૂપિયા લેવાતા હોવાની હકીકત બહાર આવી છે. જાસ્મીનબેનની પુત્રી પરિક્ષામાં પાસ કરવા મનસુખલાલનાં વચેટીયા તરીકે કામ કરતા ફીઝીયોથેરાપી ડો.ધ્રુમીલ બાબુલાલ શાહે કહેલુ અને પાસ થવા માટે રૂપિયા ૨૦ લાખની માંગણી કરી હતી. પ્રથમ પરિક્ષામાં રૂપિયા ૨૦ લાખનો ચેક લઈ બેસવા દીધી હતી. બીજી પરિક્ષા આવી એટલે વચેટીયાએ રૂપિયા ૨૦ લાખ રોકડા માંગેલા. આથી જાસ્મીનબેન દેવરાએ અમદાવાદ સ્થિત એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. જેના પગલે વડોદરા ખાતે વાઘોડીયારોડ ઉપર કલ્યાણનગરનાં નાકે છટકુ ગોઠવવામાં આવ્યું હતું.  વાતચીત થયા મુજબ ડો.ધ્રુમીલ અને બીજો વચેટીયો ભરત સાવંત રૂપિયા ૨૦ લાખ લેવા આવી પહોંચ્યા હતાં. તે સ્વીકારતા એસીબીનાં અધિકારીઓએ રંગે હાથ ઝડપી તાબડતોબ સુમનદીપ વિદ્યાપીઠ ઉપર છાપો મારી મનસુખલાલ શાહને પકડી પાડ્યો હતો. આમ એસીબીની ટીમે ત્વરીત ગતિએ ત્રણેય જણાંને ઝડપી પાડ્યા હતાં.

એસીબી ટીમે સુમનદીપ વિદ્યાપીઠની ઓફીસમાં આજે દિવસ દરમિયાન તપાસ કરતાં રૂપિયા ૧૦૧ કરોડના ચેકો મળી આવ્યા હતાં. ૪૩ કરોડની બેંક એફડી મળી આવી હતી. મનસુખલાલનાં પાણીગેટઉદ્યોગનગર સ્થિત નિવાસસ્થાને હાથ ધરેલી તપાસમાં એક કરોડની અસ્કયામત મળી આવવા ઉપરાંત મોંઘીદાટ વૈભવી કાર જેમાં બીએમડબલ્યુ, ઓડી, મર્સીડીઝ, બેન્ઝ કાર સહિત કરોડોનું ફર્નીચર અને જવેલરી મળી આવતાં જપ્ત કરવામા આવ્યું છે.

વચેટીયા ડો.ધ્રુમીલ બાબુલાલ શાહનાં વાઘોડીયારોડ પરિવાર ચાર રસ્તા સ્થિત રાજદીપ સોસાયટીનાં મકાનમાં તપાસ કરતાં કંપાઉન્ડમાં લાકડાનાં બારણા પાછળ સંતાડેલા રૂપિયા દોઢ લાખ રોકડા મળી આવ્યા હતાં. મનસુખલાલ આ વચેટીયા મારફત રૂપિયાની લેવડ દેવડ કરાવતો હતો. જ્યારે ભરત સાવંત નામનો વચેટીયો મદદગારીમાં રહેતો હતો. આવતીકાલે એસીબી ત્રણેય લાંચીયાઓને અદાલતમાં રજુ કરી રિમાન્ડની માંગણી કરશે.