સુરેન્દ્રનગર, તા.૧૮
હળવદ તાલુકાના માલણિયાદ ગામે આજે દીવાલ ચણવા જેવી નજીવી બાબતે સાસુ-વહુ ઉપર ભત્રીજાએ પાઈપ વડે હુમલો કરાતા ઈજાગ્રસ્ત બંને મહિલાઓને સારવાર માટે હળવદની સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર રીફર કરાયા હતા.
જાણવા મળ્યા મુજબ આજે હળવદના માલણિયાદ ગામે રહેતા અસ્મીતાબેન રણછોડભાઈ કણઝરિયા (ઉ.વ.ર૬) અને રૈયાબેન ટપુભાઈ કણઝરિયા (ઉ.વ.પપ) આજે તેમના ફળીયામાં દિવાલ ચણવાનું કામ ચાલતું હોય ત્યારે એકા-એક રૈયાબેનનો ભત્રીજો ત્યાં આવી જેમતેમ બોલાચાલી કરી રૈયાબેનને માથાના ભાગે તેમજ હાથના ભાગે લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો જેમાં અસ્મીતાબેન વચ્ચે પડતા તેમના પર પણ હુમલો કરાતા બન્ને ઈજાગ્રસ્તોને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જયાં ફરજના તબીબ ડૉ. કૌશલ પટેલે પ્રાથમિક સારવાર આપ્યા બાદ બંને ઈજાગ્રસ્તોને માથાના અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચેલ હોય જેથી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર રીફર કરાયા હતા.