(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧૭
પીપળી ગામનાં ઈંગલાવડીમાં રહેતા ઋતિક અરવિંદભાઈ પરમારની બહેન સુધા (ઉ.વ.૧૬) બીમાર હોઈ ઋતિક પોતાની મોટર સાયકલ પર બેસાડીને સુધાને કિંખલોડ ગામે દવાખાનામાં લઈ ગયો હતો અને દવા લઈ ઈંગ્લાવડી ધરે પરત આવતો હતો ત્યારે પીપળી ગામનાં મેલડી માતાનાં મંદીર પાસે આજે સવારે ૧૦.૪૫ વાગ્યાનાં સુમારે પુરપાટ ઝડપે જતી ટ્રકના ચાલકે ઋતિકની મોટરસાયકલને ટક્કર મારતાં મોટરસાયકલ પર પાછળની સીટ પર બેઠેલી સુધાબેન ઉછલીને રોડ પર પટકાતા તેણીને ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે મોટરસાયકલ ચાલક ઋતિકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાને લઈને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત ઋતિકને ત્વરીત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યારે ટ્રક ચાલક ટ્રક લઈને ભાગી છુટતા સ્થાનીક લોકોએ તેનો પીછો કરી નજીકમાં આવેલી એક હોટલ પરથી તેને ઝડપી લઈ ભાદરણ પોલીસને હવાલે કરતાં પોલીસે અરવિંદભાઈ ગણપતભાઈ પરમારની ફરીયાદનાં આધારે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ ઘટનાને લઈને ઈંગલાવડી ગામે અરેરાટી પ્રસરી જવા પામી છે.