(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.ર૬
અમદાવાદ શહેરના સુએઝફાર્મ વિસ્તારમાં આવેલ પીરાણા ડમ્પીંગ સાઈડ સ્થાનિક લોકો માટે કાયમી બીમારીનું ઘર જ નહીં બીમારીનો ડુંગર બની ગયો છે. કચરાના આ ઢગલાને ખસેડવા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કરોડો ફાળવણી કરવામાં આવે છે પરંતુ નક્કર કામગીરી થતી જ નથી. ચાલુ વર્ષના બજેટમાં કચરાના ઢગલાને બાયો માઈનિંગ દ્વારા ખસેડવા કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા છે ત્યારે બીજી તરફ આજ પીરાણા ડમ્પીંગ સાઈડને કેપિંગ કરવા રૂા.૬૪ર કરોડનો ખર્ચ કરવાનું કામ હેલ્થ કમિટીમાં ઉતાવળે મંજૂર કરાયા બાદ હકીકતનું ભાન થતાં સ્ટેન્ડીંગ કમિટીમાં આ દરખાસ્ત નામંજૂર કરવામાં આવી છે. મ્યુનિ. ભાજપના શાસકોની અણઆવડત, અજ્ઞાનતા કે ભ્રષ્ટાચાર કરવાનો કિમિયો કહો તેની પોલ ખોલતા બહેરામપુરા વોર્ડના મ્યુનિ. કાઉન્સિલર બદરૂદ્દીન શેખે જણાવ્યું છે કે મ્યુનિ. ભાજપના શાસકો દ્વારા વર્ષ ર૦૧૮-૧૯ના બજેટમાં બાયોમાઈનિંગ ટેકનિકથી કચરાના ઢગલાને ખસેડવા માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે જ્યારે મ્યુનિ.ની હેલ્થ કમિટીની બેઠકમાં ડમ્પીંગ સાઈડને રૂા.૬૪ર કરોડના ખર્ચે કેપિંગ કરવાની દરખાસ્ત મંજૂર કરી દેવામાં આવે છે. આમ એક જ કચરાના ઢગલા માટે ખસેડવાની અને કેપિંગ કરવાની બે અલગ અલગ પદ્ધતિની દરખાસ્ત મંજૂર કરવામાં આવે તો ભ્રષ્ટાચારનો નવો કિમિયો હોય તેમ જણાય છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે, સામાન્ય રીતે કોઈપણ દરખાસ્ત મંજૂર કરતા પહેલાં એજન્ડા મીટિંગમાં ચર્ચા કરવામાં આવે છે ત્યારબાદ દરખાસ્ત મૂકવામાં આવે છે પરંતુ ભાંડો ફૂટી જતાં સ્ટેન્ડીંગ કમિટીમાં દરખાસ્ત નામંજૂર કરવામાં આવી છે. જે મ્યુનિ. ભાજપ શાસકોની અણઆવડત અને અજ્ઞાનતા છતી કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મ્યુનિ. કોર્પોરેશન દ્વારા છેલ્લા પાંચ વર્ષથી પીરાણા ડમ્પીંગ સાઈડના કચરાના ડુંગરને કેપિંગ કરવા બજેટ ફાળવવામાં આવતું હતું પરંતુ મુંબઈમાં કચરાના ઢગલામાં કેપિંગ કર્યા પછી તેમાં ભીષણ આગ ફાટી નીકળતા આસપાસના વસાહતો અને ફેકટરીઓને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ આગ આઠ દિવસ બાદ કાબૂમાં આવી હતી. આ બાબતને ધ્યાનમાં રાખી મ્યુનિ. કોર્પોરેશને ચાલુ વર્ષના બજેટમાં કેપિંગની દરખાસ્ત પડતી મૂકી કચરાના ઢગલાને બાયો માઈનિંગ ટેકનિકથી ખસેડવા કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પણ બાયો માઈનિંગ માટે રૂા.૧૦૦ કરોડ આ વર્ષના બજેટમાં ફાળવવામાં આવ્યા છે.

પીરાણા ડમ્પીંગ સાઈટ પર રોજનો ૩ હજાર ટન ઘન કચરો ઠલવાય છે

અમદાવાદ શહેરમાંથી રોજનો ૪ હજાર ટન ઘન કચરો નીકળે છે તેમાંથી ફકત ૧ હજાર ટન ઘન કચરો જ પ્રોસેસ થાય છે. બાકીનો ૩ હજાર ટન ઘન કચરો પીરાણા ડમ્પીંગ સાઈડ ખાતે ઠાલવવામાં આવે છે. હાલ કચરાના ઢગલાની ઊંચાઈ ૭પ ફૂટ કરતાં પણ વધુ છે. ગત ચોમાસામાં કચરાનો ઢગલો રોડ ઉપર અને પાછળની ફેકટરીઓ ઉપર પડ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. દિવસે દિવસે કચરાના ઢગલાની ઊંચાઈ વધતી જાય છે. મ્યુનિ. દ્વારા ૧૧ કંપનીઓ સાથે કચરાના ઢગલામાંથી વીજળી પેદા કરવા અને ખાતર ઉત્પન્ન કરવાના કરાર કરવામાં આવ્યા છે તે માટે લાખો વાર જગ્યા ૩૦ વર્ષ માટે ફાળવવામાં આવી છે. એમ મ્યુનિ.કાઉન્સિલર બદરૂદ્દીન શેખે જણાવ્યું છે.