વાંકાનેર, તા.૧
ડો.એ.કે. પીરઝાદા માર્કેટયાર્ડ વાંકાનેરના ડિરેક્ટર અને એડવોકેટ શકીલ પીરઝાદાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી રાજ્યવ્યાપી મગફળી ખરીદી કૌભાંડની ઉચ્ચ સ્તરીય તપાસ કમિટીની રચના કરી તપાસ કરવા માગણી કરી છે.
વર્ષ ર૦૧૭-૧૮માં રાજ્ય સરકાર દ્વારા મોટી જાહેરાતો કરી ટેકાના ભાવે મગફળી ખરીદવાની પ્રક્રિયા હાથ ધરી હતી. પરંતુ મીડિયાના અહેવાલ પ્રમાણે આ યોજનાનો લાભ ખેડૂતોને ન મળતા, સરકાર દ્વારા રક્ષિત વચેટિયાઓ અને મળતિયાઓએ ગેરરીતિ કરી ગેરલાભ ઉઠાવેલ છે. સહકારી-સરકારી કર્મચારીઓને સાથે લઈ આ વચેટિયાઓ અને મળતિયાઓએ સરકારને મોટા જથ્થામાં હલકી ગુણવત્તાવાળી મગફળી ટેકાના ભાવે વહેંચી છે તેમજ મગફળીની સાથે રેતી, કાંકરા, ઢેફલા વગેરે મોટા પ્રમાણમાં મિક્સ કરી ગેરરીતિઓ કરેલ છે.
આ મગફળી ખરીદી કૌભાંડ રાજ્ય વ્યાપી છે અને તેમાં સરકારના નજીકના ખૂબ મોટા માથા પણ સામેલ હોય તેવું લાગી રહ્યું છે.
માટે ઉચ્ચ સ્તરીય તપાસ કમિટીની રચના કરી આ રાજ્યવ્યાપી મગફળી ખરીદી કૌભાંડની તપાસ કરવામાં આવે અને તેમાં સામેલ વચેટિયા તથા સહકારી-સરકારી કર્મચારીઓ વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી ડો.એ.કે. પીરઝાદા માર્કેટ યાર્ડ વાંકાનેરના ડિરેક્ટર અને એડવોકેટ શકીલ પીરઝાદાએ કરી છે. દરમિયાન રાજ્ય સરકાર દ્વારા વર્ષ ર૦૧૭-૧૮માં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવેલ છે. મીડિયા અહેવાલ પ્રમાણે મગફળીની ખરીદીની આ પ્રક્રિયામાં ઠેર-ઠેર મોટાપાયે ગેરરીતિ થઈ હોવાનું માલુમ પડે છે. વચેટિયાઓ દ્વારા ખેડૂતોના નામે હલકી ગુણવત્તાવાળી મગફળી તેમજ રેતી, કાંકરા, ઢેફલા વગેરે મોટા પ્રમાણમાં મિક્સ કરી સરકારને વેચી ગેરરીતિ કરી મોટી રકમનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે.
આમાં ઉચ્ચ સ્તરીયે તપાસ કમિટીની રચના કરી આ રાજ્ય વ્યાપી મગફળી ખરીદી કૌભાંડની તપાસ કરવામાં આવે અને તેમાં સામેલ વચેટિયા સહકારી-સરકારી કર્મચારીઓ વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની માગ કરી છે.