(સંવાદદાતા દ્વારા)
મોડાસા, તા.૭
ગુજરાત અને રાજસ્થાન રાજ્યમાં ગેરકાયદેસર પિસ્તોલનો વેપલો કરનાર અને ધાડ ચોરી, લૂંટના અને હત્યાની કોશિશના ગુનામાં સંડોવાયેલ ઝારખંડનો પ્રતાપપુર તાલુકાનો મંચ ગામના ખૂંખાર આરોપીએ ભિલોડા શહેરના આંબલી બજારમાં શરણ લીધી હતી. ત્યાં છેલ્લા કેટલાક સમયથી રહેતો હોવાની અને ગુરૂવારે વહેલી સવારે રાજસ્થાનના ઉદેપુરથી હથિયારો સાથે ભિલોડા ઘરે આવવાનો હોવાની બાતમી જિલ્લા એલસીબી પોલીસને મળી હતી. જેથી પોલીસે શામળાજી આશ્રમ ચોકડી નજીક વોચ ગોઠવી વિજય ઉર્ફે ચંદન રામસ્વરૂપ પાસવાનને બે લાયસન્સ વગરની પિસ્તોલ સાથે દબોચી લઈ રાજસ્થાન અને ગુજરાતના અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં વણઉકેલ્યા ૧૮ ગુનાનો ભેદ ઉકેલી નાખી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં પાંચ ગુનામાં તેની સંડોવણી બહાર આવતા ગુજરાત-રાજસ્થાન પોલીસને હાથતાળી આપી આરોપી બંને રાજ્યોમાં છૂપાતો રહેતો હતો અને ગેરકાયદેસર પિસ્તોલ વેચાણ કરી બંને રાજ્યોની પોલીસના નાકે દમ લાવી દીધો હતો.
અરવલ્લી જિલ્લા એલસીબી પી.એસ.આઈ. કે.કે.રાજપૂત અને તેમની ટીમે બાતમીના આધારે શામળાજી આશ્રમ ચોકડી નજીકથી ગુરૂવારે વહેલી સવારે દેશી બનાવટની બે પિસ્તોલ સાથે વિજય ઉર્ફે ચંદન રામસ્વરૂપ પાસવાનની ઝડપી તેની પાસેથી જીવતા કારતુસ નંગ-૭ અને મોબાઈલ-૧ મળી કુલ રૂા.૪૪,૦૦૦ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.