(એજન્સી) બારામુલ્લા, તા. ૧૫
હિઝબુલના આતંકવાદી આશિક અહમદ બટને મંગળવારે બપોરે બારામુલ્લાના પલહાલન કબ્રસ્તાનમાં દફનાવી દેવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા સોમવારે આશિકના મૃતદેહને તેના પરિવારજનોને સોંપી દેવાયો હતો. જ્યારે તેના મોતના સમાચાર પાડોશી પલહાલનમાં પહોંચ્યા ત્યારે મહિલાઓ અને બાળકો સહિત હજારો લોકો માર્ગો પર ઉતરી આવ્યા હતા અને ભારત વિરોધી તથા આઝાદીના નારા લગાવવા લાગ્યા હતા. કેટલાક લોકોએ આખી રાત મસ્જિદોના લાઉડ સ્પીકરોમાં આઝાદીના ગીતો શરૂ કરી દીધા હતા. મોતને ભેટેલા ઉગ્રવાદી આશિકનો પરિવાર કહે છે કે, પોલીસે તેની સામે પથ્થરમારાના અનેક કેસો નોંધ્યા અને વારંવાર પોલીસ સ્ટેશન બોલાવતા. એપ્રિલ ૨૦૧૪માં આશિક ગુમ થયો હતો. આજ વર્ષે લાકડાંની મિલમાં કામ કરતાં આશિકના પિતા ગુલામ મોહમ્મદ બટને સલામતી દળો દ્વારા બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો અને તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. તેના પરિવારે જણાવ્યંુ કે, આશિકને બંદૂર પકડવા માટે સરકારી દળો જ જવાબદાર છે. આશિકે ૨૦૧૩માં ૧૦મા ધોરણની પરીક્ષા પાસ કરી હતી અને કેટલાક મહિનાઓ બાદ તે ઉગ્રવાદી સંગઠનમાં જોડાવા માટે ઘરેથી નીકળી ગયો હતો. પલહાલનમાંથી સૂત્રોએ જણાવ્યંુ કે, આશિકના ઘરે જ્યારે લોકો એકઠા થયા ત્યારે મોટી સંખ્યામાં સલામતી દળો પણ આવી ગયા હતા તે બાદ લોકોએ તેમના પર પથ્થરમારો કરતાં સેનાએ ધુમાડાના શેલ છોડ્યા હતા. જોકે, આમાં કોઇને કોઇ ગંભીર ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું નથી.