(એજન્સી) નવી દિલ્હી, તા.૧૫
ગઈકાલે પુલવામામાં થયેલ ત્રાસવાદી હુમલામાં શહીદ થયેલ સીઆરપીએફ જવાનના પિતાએ દુઃખ ભર્યો સંદેશ આપતા કહ્યું છે કે, “હું દેશ માટે મારા બીજા પુત્રનું બલિદાન આપવા પણ તૈયાર છું. એમણે જો કે કહ્યું કે, ભારતે પાકિસ્તાનને આ હુમલાનો સચોટ જવાબ આપવો જોઈએ. રતન ઠાકુરે ૪૦ જવાનોમાં હતા, જે ગઈકાલે થયેલ ત્રાસવાદી હુમલામાં શહીદ થયા હતા. બિહારના ભાગલપુરમાં રહેતા એમના પિતા ત્રાસવાદ સામે ઝૂકયા નથી. અશ્રુભીની આંખો સાથે એમણે કહ્યું કે, એ પોતાના બીજા પુત્રને પણ દેશ માટે લડવા મોકલવા તૈયારી કરશે. માતૃભૂમિની સેવા કરતા એક પુત્ર શહીદ થયો હોવા છતાં હું બીજા પુત્રને પણ મોકલવા તૈયાર છું. સરકારે કડક શબ્દોમાં પાકિસ્તાનની ઝાટકણી કાઢી છે અને ભારતમાં ત્રાસવાદી પ્રવૃત્તિઓ બંધ કરવા ચેતવણી આપી છે. પાકિસ્તાને જો કે હુમલામાં પોતાની સંડોવણીનો ઈન્કાર કર્યો છે. એમણે કહ્યું કે, આ ખૂબ જ ચિંતાનો વિષય છે. અમે હિંસાના કૃત્યોને હંમેશ વખોડી કાઢીએ છીએ. યુએને પણ હુમલાની નિંદા કરી પાકિસ્તાનને નિર્દેશો આપ્યા છે કે, ત્રાસવાદી પ્રવૃત્તિઓને સમર્થન આપવું બંધ કરે.