(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૮
શહેર સહિત સમગ્ર દેશમાં ચકચારિત માસૂમ બાળકી અને મહિલાની હત્યા- બળાત્કાર પ્રકરણમાં ક્રાઈમ બ્રાન્ચે ગતરોજ રાજસ્થાનથી બીજા આરોપી હરીઓમ ગુર્જરની ધરપકડ કરી સુરત લઈ આવી છે. આજે મોડી સાંજે ક્રાઇમ બ્રાંચ હરીઓમ ગુર્જરને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરનાર હોવાનું જાણવા મળે છે.
ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ગત તા.૬ એપ્રિલના રોજ શહેરના પાંડેસરાના જીયાવ બુડીયા સર્કલ પાસેથી ૧૧ વર્ષની માસુમ બાળકીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ ઘટનાને બે દિવસ બાદ ૯મી એપ્રિલે પાંડેસરા વિસ્તારમાંથી જ હાઈવે નજીકથી એક મહિલાની કોહવાયેલી લાશ મળી આવી હતી. આ બન્ને લાશો અજાણી હોવાથી પોલીસે સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ સર્વેલેન્સના આધારે તપાસ હાથ ધરી હતી. પાંડેસરાના ભેસ્તાન ખાતે સોમેશ્વર સોસાયટીમાં રહેતા હર્ષસહાય ગુર્જર સુધી પોલીસની ટીમ કાળા કલરની સેવરોલેટ સ્પાર્ક કારની સીસીટીવી જોઇ કાર સુધી પહોંચી હતી. હર્ષસહાયની અટક કરી સધન પૂછપરછ કરતા તેને રાજસ્થાનથી એક મહિલા અને તેની પુત્રીને બાંધકામના સ્થળે રાખી હતી. મહિલાને રેતી ઉંચકવાની મજુરી કામ અપાવી તેણી સાથે શરીર સંબંધ પણ રાખ્યો હતો. મહિલાએ હર્ષસહાયની સાથે લગ્ન કરી ઘરે રહેવાની જીદ કરતા મિત્ર હરીઓમ સાથે મળી તેણીની હત્યા કરી પાંડેસરા હાઈવે નજીક ફેંકી હતી. મહિલાની હત્યા કર્યાબાદ માસૂમ બાળકીને પોતાના ઘરે લઈ જતા બાળકીની હાજરીથી પત્નીએ સવાલો કર્યા હતા. બાળકીની હાજરીમાં તેણી માતાની હત્યા કરવામાં આવી હોવાથી હર્ષસહાય માસુમ બાળકીની પણ હત્યા કરી જીયાવ બુડીયા સર્કલ પાસે ફેંકી દીધી હતી. આ બન્ને હત્યાની કબૂલાત કરનાર હર્ષસહાયની ૨૧/૪/૨૦૧૮ના રોજ રાજસ્થાનથી ધરપકડ થઈ હતી અને ૧૨ દિવસના રિમાન્ડ પુરા થતા તેને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. હત્યામાં મદદરૂપ થનાર હર્ષસહાયનો પિતરાઈ ભાઇ હરીઓમ ગુર્જરની ગતરોજ રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચ હરીઓમ ગુર્જરની અટક કરી સુરત લઈ આવી છે. આજે મોડી સાંજે હરીઓમ ગુર્જરને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. હરીઓમની વધુ પુછપરછ રમિયાન ક્રાઇમ બ્રાન્ચને અન્ય આરોપીઓ અંગેની માહિતી પણ પ્રાપ્ત થાય તેમ છે.