(એજન્સી) નવી દિલ્હી,તા.રર
દેશમાં હાલ જયારે એક તરફ બીજેપી અને તેમના સહયોગી દળ હિન્દુત્વના મુદ્દાને લઈને મરવા-મારવા માટે તૈયાર રહે છે, ત્યાં કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલનો એક એવો વીડિયો આજકાલ વાયરલ થઈ રહ્યો છે, કે જેમાં તેઓ એક કાર્યક્રમ દરમ્યાન મંચ પર કહી રહ્યા છે કે, તેઓ દરરોજ પૂજા કરતી વખતે મુસ્લિમ ધર્મની કલમો પણ સાથે પઢે છે. આટલું જ નહીં પીયુષ ગોયલ રીતસર કલમો પઢીને સંભળાવી પણ રહ્યા છે. જો કે, આ વીડિયો ત્રણ વર્ષ જુનો છે, પરંતુ સોશિયલ મીડિયા પર આ વીડિયો હાલ ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. હકીકતમાં ર૮ જાન્યુઆરી, ર૦૧૬ના રોજ તાલીમ કી તાકત નામના એક કાર્યક્રમમાં પીયુષ ગોયલ હાજરી આપવા પહોંચ્યા હતા. આ દરમ્યાન ત્યાં મૌલાના આઝાદ નેશનલ ઉર્દૂ યુનિવર્સિટીના ચાન્સેલર જફર સરેશવાલા સહિત મુસ્લિમ સમાજના ઘણા મોટા લોકો પણ હાજર હતા. મંચ પર પોતાના ભાષણની શરૂઆત કરતા પહેલા પીયુષ ગોયલ કહે છે કે, મેં જફરભાઈની મંજૂરી લીધી છે કે, હું એ વાકયથી શરૂઆત કરી શકું કે, જેને અમે ત્યારે શીખ્યા હતા, કે જયારે અમે નાના હતા. આ મારા જીવન સાથે એવી રીતે વણાઈ ગયું છે કે, રોજ સવારે જયારે હું પૂજા કરૂ છું, ત્યારે તેમાં હું તે વાકય પણ સાથે બોલું છું અને હકીકતમાં તમામ ધર્મોની જે શકિત છે, તે એ જ છે કે આપણે સૌ શાંતિ પૂર્ણ રીતે એક બીજાની સાથે રહીએ, તો જ સંપૂર્ણ દેશનું નિર્માણ થઈ શકે છે.
પોતાના આ ભાષણમાં પૂજાની સાથે કલમો પઢવાની વાત કરવા અંગે પીયુષ ગોયલ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે. કેટલાક લોકોએ તો લખ્યું છે કે, દેશમાં મોબ લિંચિંગ અટકાવી દો તો અમે માનીશું કે, તમે મુસ્લિમ ધર્મને પણ પ્રેમ કરો છો. અન્ય એક યુઝરે લખ્યું છે કે આવી રીતે તો પીએમ મોદી પણ કહેવા લાગશે કે, દર શુક્રવારે હું જુમ્માની નમાઝ અદા કરૂં છું.