જામનગર, તા.૮
દ્વારકા જિલ્લાના ઓખા બંદર નજીક દરિયામાં ગાઢ ધુમ્મસના કારણે અજાણી કાર્ગો શીપ દ્વારા ‘અલ બગદાદી’ (રજી નં.જીજે-૧૧ એનએમ-૨૦૮૮) નામની ફીશીંગ બોટને ટક્કર મારતા બોટે સાત માછીમારો સહિત જળસમાધિ લીધી હતી. જો કે, અન્ય ફીશીંગ બોટ દ્વારા ડૂબતાં સાતેય ફીશરમેનોને બચાવી લેવાયા હતા અને બપોરે બોટનો કાટમાળ તથા ફીશરમેનોને અન્ય બોટની મદદથી ઓખા બંદરે લાવવામાં આવી હતી. સાત પૈકી બે માછીમારોને અકસ્માતમાં સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ ઓખા કોસ્ટ ગાર્ડને થતાં અધિકારીગણે દોડી આવી અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી હતી. આ બનાવ અંગે દ્વારકાના બેટપાર વિસ્તારમાં રહેતા ફરીદ જુસબભાઈ પાંજરીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું છે કે, તેઓ પોતાની અલ બગદાદી નામની ફીશીંગ બોટ લઈને માછીમાર માટે નીકળ્યા હતા ત્યારે ઓખાના દરિયાથી ૯ નોટીકલ માઈલ દૂર પહોંચ્યા ત્યારે ગાઢ ધુમ્મસના કારણે તેઓની બોટ એક અન્ય સ્ટીમર સાથે અથડાઈ પડી હતી.