(એજન્સી) નવી દિલ્હી,તા. ૪
કેરળમાં ઓખી વાવાઝોડાનો કહેર ચાલુ છે જેમાં બિનસત્તાવાર મૃત્યાંક વધીને ૩૦ થયો હોવાનું જણાવાઈ રહ્યું છે. રાજ્યના દરિયાકિનારે ૬૦૦ કરતાં પણ વધારે માછીમારો કફોડી હાલતમાં મૂકાયાં છે. સોમવાર સુધીમાં ઓછામાં ઓછા ૯૨ માછીમારો લાપત્તા બન્યા હોવાનું જણાવવામાં આવ્યું. કેરળમાંથી અત્યાર સુધીમાં ૬૯૦ માછીમારોને બચાવી લેવામાં આવ્યાં છે. સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ કેરળના પીડિત માછીમારો પરિવારોને મળ્યાં હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ઓખીએ અત્યાર સુધીમાં ૧૭.૨૮ કરોડનું નુકશાન કર્યું છે. તમિલનાડુમાં પણ લગભગ ૭૦ માછીમારોને હજુ સુધી બચાવવાના બાકી છે. ઓખીએ લક્ષદિપ ટાપુ પર વિનાશ વેર્યો છે. હવામાન વિભાગ દ્વારા તમિલનાડુ અને આંધ્રના માછીમારોને ૨૫ ડિસેમ્બર સુધી દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. પર્યાવરણ મંત્રાલય દ્વારા જારી એક બયાન મુજબ, ઓખી વાવાઝોડું લક્ષદિપ ટાપુ પરથી ફંટાયું છે અને હાલમાં ગુજરાતના સુરતથી ૧,૦૦૦ કિમી દૂર સ્થિર બન્યું છે. ઈન્ડીયન કોસ્ટ ગાર્ડે સોમવારે અરબી સમુદ્રમાંથી ૧૯ માછીમારોને ઉગાર્યાં હતા. હરિયાણા મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ૨ કરોડનું દાન કર્યું. કેરળના મુખ્યમંત્રી પિનારયી વિજયને ઓખી વાવાઝાડોને રાષ્ટ્રીય આપદા જાહેર કરવાનું વડાપ્રધાન મોદીને કહેવાનો નિર્ણય કર્યો છે. સૌથી વધુ અસરગ્રસ્ત કન્યાકુમારીમાં હજુ પણ પુર જેવી સ્થિતી સર્જાયેલી છે. અહીં હજારો લોકોને સુરક્ષા દળોએ જાન પર ખેલીને બચાવી લીધા છે. કેરળમાં ૨૧૮થી પણ વધારે માછીમારોને બચાવી લેવામાં આવ્યા છે. અહીં મોતનો આંકડો વધીને આઠ ઉપર પહોંચી ગયો છે. તમિળનાડુમાં મોતનો આંકડો સાત ઉપર પહોંચ્યો છે. કેરળના પશ્ચિમ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં નજર રાખવા માટે કોસ્ટ ગાર્ડ અને અન્ય બચાવ ટીમો સક્રિય થઇ ગઇ છે. હજુ સુધી ૬૯ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. લોકોને મરીના બીચ ઉપર ન જવા સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદના પરિણામ સ્વરુપે કન્યાકુમારીના વિવિધ ભાગોમાં વિજ પુરવઠો ખોરવાઈ ગયો છે અને પીવાના પાણીની સમસ્યા ખડી થઈ છે.