(એજન્સી) તા.૧૪
આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપના વડપણ હેઠળના એનડીએને હરાવવા માટે વિરોધ પક્ષોએ પ્લાન-૪૦૦ તૈયાર કર્યો છે. આ પ્લાન હેઠળ કુલ ૫૪૩માંથી ૪૦૦ બેઠકો પર ૧-૨-૧ મુકાબલો કરવાની રણનીતિ પર અમલ કરવામાં આવશે. કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારના શપથ સમારોહમાં જ્યારે એક જ મંચ પર વર્તમાન લોકસભામાં ૧૫૦ બેઠકો ધરાવતા ૧૩ રાજ્યોના વિપક્ષી નેતાઓ હાજર થયા અને એક બીજાના હાથ પકડીને દેશને નવો રાજકીય સંકેત અને સંદેશ આપ્યો ત્યારે રાજદ્વારી નિષ્ણાતોએે વિપક્ષી એકતાનું વિશ્લેષણ શરુ કરી દીધું હતું. આમ કર્ણાટકના મંચ પરથી મિલન મુલાકાતે હવે એક મજબૂત યુદ્ધ રણનીતિનું સ્વરુપ લીધું છે અને આ યુદ્ધ છે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી. તમામ રાજકીય પક્ષોના નિવેદનો, રાજકીય લોબીઓમાં ચાલતી ચર્ચાઓ અને અલગ અલગ પક્ષોના સૂત્રો અનુસાર ૨૦૧૯ની આ રણનીતિમાં વિરોધ પક્ષોએ લોકસભાની ૫૪૩માંથી ૪૦૦ એવી બેઠકોને ઓળખી કાઢી છે જેના પર ભાજપ અથવા તેના સાથી પક્ષો વિરુદ્ધ વનટુવન એટલે કે સીધો મુકાબલો થશે. અર્થાત આ ૪૦૦ બેઠકો પર ભાજપ કે તેના સાથી પક્ષો સામે વિરોધ પક્ષોનો સંયુક્ત ઉમેદવાર ઉતારવામાં આવશે જેવું ઉ.પ્ર.માં કૈરાનાની લોકસભાની બેઠકની પેટા ચૂંટણીમાં થયું હતું. સૂત્રોનું કહેવું છે કે દરેક રાજ્યમાં રાજકીય સમીકરણ અલગ હોય છે અને એટલા માટે એક જ ફોર્મ્યુલા દરેક રાજ્યમાં લાગુ નહીં પડે પરંતુ મોટી વાત એ છે કે હેતુ માત્રને માત્ર એનડીએની હાર સુનિશ્ચિત કરવાનો છે. તાજેતરમાં સપાના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ નિવેદન કર્યુ છે કે ભાજપની હાર માટે તેઓ કોઇપણ સમજૂતી કરવા તૈયાર છે અને આ માટે બેઠકોની કુરબાની આપવી પડે તો તે માટે પણ તૈેયાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સંયુક્ત વિપક્ષનો અસલી આઇડિયા વાસ્તવમાં પ.બંગાળના મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસના નેતા મમતા બેનરજીનો હતો. મમતા બેનરજીએ જણાવ્યું હતું કે જે રાજ્યમાં જે પણ પક્ષ મજબૂત હોય તેને પ્રાથમિકતા મળવી જોઇએ અને આ રીતે રાજ્યવાર સ્થિતિ જોઇએ તો ઉ.પ્ર.માં ૮૦ બેઠકો પર એટલે કે મોટા ભાગની બેઠકો પર માયા-અખિલેશ ગઠબંધનને બાકી પક્ષોએ સમર્થન આપવાની યોજના તૈયાર કરી છે. એ જ રીતે પ.બંગાળમાં ૪૨ બેઠકો પર તૃણમૂલ વિપક્ષી એકતાની ધરી બનશે અને બાકીના પક્ષો બેઠકોના આધારે તેમને સહકાર આપશે કે લેશે. એવી જ રીતે રાજસ્થાન, મ.પ્ર. અને છત્તીસગઢની ૬૫ બેઠકો પર મુખ્ય જંગ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે લડાશે અને દ.ભારતની ૧૩૦ બેઠકો પર બારીકાઇથી સંયુક્ત વિરોધ પક્ષ કામ કરશે. આ ૧૩૦ બેઠકો એવી છે જ્યાં પ્રભાવશાળી પક્ષ ભાજપ વિરોધી છે.