મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આદેશ આપ્યા હતા કે રાજ્યભરમાં ડ્રાય રન સંપૂર્ણ ગંભીરતાથી થશે અને કોરોનાનું રસીકરણ વધારવા કટિબદ્ધ છીએ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય વિસ્તારમાં સાયકલ સુરક્ષા સાથે કોરોનાની રસી પહોંચી રહી છે

(એજન્સી) નવી દિલ્હી, તા. ૫
ઉત્તરપ્રદેશમાં કોરોના વાયરસની ડ્રાય રન અને તૈયારીઓ ચાલી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય વિસ્તાર વારાણસીમાં એક અજીબોગરીબ ઘટના બની છે જ્યાં કોરોનાની વેક્સિનને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં સાયકલનો સહારો લેવાયો છે. આ ઘટના વારાણસીના ચૌકાઘાટ વિસ્તારમાં આવેલી વૂમન્સ હોસ્પિટલની છે જ્યાં એક કર્મચારી કોરોનાની વેક્સિન સાયકલ પર લઇને આવ્યો હતો. આ ઘટના વિશે પૂછાતાં વારાણસીના સીએમઓ ડો. વીબી સિંહે કહ્યું હતું કે, પાંચ સેન્ટર પર વાનની મદદથી વેક્સિન પહોંચાડાઇ છે. માત્ર વૂમન્સ હોસ્પિટલ માટે વેક્સિનને સાયકલ પર પહોંચાડાઇ છે. હોસ્પિટલો અને અન્ય સ્થળો પર ડ્રાય રન અને તૈયારીઓ માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા કરાઇ છે પરંતુ વેક્સિનને પહોંચાડવાની તૈયારીઓ માટે વારાણસી તંત્ર સામે સવાલો ઉઠવા પામ્યા છે. એક દિવસ પહેલાં જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, ડ્રાય રન અને તૈયારીઓ અત્યંત ગંભીરતાથી થવી જોઇએ અને અમે સમગ્ર રાજ્યમાં રસીકરણની વ્યવસ્થા વધારવા માટે કટિબદ્ધ છીએ. યુપીમાં કેટલાક જિલ્લાઓમાં રસીકરણની મોકડ્રીલ ગણાતી ડ્રાય રન યોજવામાં આવી હતી. ડ્રાય રન દરમિયાન કોઇને વેક્સિન આપવામાં આવી રહી નથી.