પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અચાનક લેહ પહોંચ્યા હતા. તેમની સાથે CDS બિપિન રાવત અને આર્મી ચીફ એમ.એમ નરવણે પણ છે. આ અગાઉ ફક્ત ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત જ લેહની મુલાકાતે આવવાના હતાં. પીએમ મોદી લદાખની જે જગ્યાએ પહોંચ્યા છે તેનું નામ નીમુ છે. તે લેહથી દ્રાસ તરફ પડે છે.
અહીં તેઓ આર્મી, એરફોર્સ અને આઈટીબીપીના જવાનોને મળ્યા અને તેમની સાથે વાતચીત કરી. આ બોર્ડરની ફોરવર્ડ લોકેશન છે. લગભગ ૧૧૦૦૦ હજાર ફૂટની ઊંચાઈ સ્થિત નીમુની ટેરેન ખુબ જ મુશ્કેલ ગણાય છે. આ વિસ્તાર સિંધુ નદીના કિનારા પર સ્થિત છે.
નીમુની ફોરવર્ડ પોસ્ટની મુલાકાત લીધા બાદ પીએમ મોદી લેહ ખાતે વોર મેમોરિયલ પહોંચ્યાં. અહીં તેઓ શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને ત્યારબાદ ચીની સૈનિકો સાથે થયેલા લોહિયાળ સંઘર્ષમાં ઘાયલ થયેલા જવાનોને પણ પીએમ મોદી મળ્યાં. અત્રે જણાવવાનું કે આ ઘર્ષણમાં ભારતના ૨૦ જવાનો શહીદ થયા હતાં અને ચીનના પણ ૪૦ જેટલા જવાનો માર્યા ગયા હતાં. તથા અનેક ઘાયલ થયા હતાં.
પીએમ મોદીએ ઘાયલ સૈનિકોને પણ સંબોધ્યા હતા. તેમણે કહ્યું કે જે લોકો આપણને છોડીને ગયા તેઓ બહાદુર હતા. તેઓ કોઇ કારણ વિના ગયા નથી. તમે બધાએ જડબાતોડ જવાબ આપ્યો છે. તમારી બહાદુરી અને તમારું લોહીયાળ સંઘર્ષ દરેક દેશવાસી માટે પ્રેરણાનો સ્ત્રોત છે. આવનારી પેઢીઓને તેનાથી પ્રેરણા મળશે. તમારી બહાદુરીથી વિશ્વને સંદેશ ગયો છે. મે મહિનાથી જ ચીન સાથે બોર્ડર પર તણાવ ચાલુ છે. બોર્ડર પર સતત ગંભીર સ્થિતિ છે. આ બધા વચ્ચે પીએમ મોદીએ લેહ પહોંચીને ચીનને કડક સંદેશ આપ્યો છે. આ અગાઉ ચીન વિરુદ્ધ ડિજિટલ સ્ટ્રાઈક અને દરેક મોરચે તેને ઘેરીને તેની આર્થિક કમર તોડવાની રણનીતિમાં લાગેલા ભારતને દુનિયાના મોટા મોટા દેશોનો સાથ મળી રહ્યો છે.