(એજન્સી) નવી દિલ્હી, તા.૨૨
પૂર્વ વડાપ્રધાન ડૉં. મનમોહન સિંહે લદ્દાખમાં ચીન સાથે ચાલી રહેલી તંગદિલી અંગે વડાપ્રધાન મોદીના તાજેતરના નિવેદનને લઇને તેમની આકરી ઝાટકણી કાઢીને જણાવ્યું હતું કે, મોદીએ પોતાના નિવેદનથી ચીનના ષડયંત્રકારી વલણને બળ ના આપવું જોઇએ તથા સરકારના તમામ અંગોએ મળીને હાલના પડકારનો સામનો કરવો જોઇએ. મનનોહનસિંહે એમ પણ જણાવ્યું કે, ભ્રામક પ્રચાર ક્યારેય કૂટનીતિ તથા મજબૂત નેતૃત્વનો વિકલ્પ ના હોઇ શકે તથા એ સુનિશ્ચિત હોવું જોઇએ કે, જવાનોનું બલિદાન ક્યારેય વ્યર્થ ના જવું જોઇએ. આનાથી જરાય પણ ઓછા પગલાં ભરાય તો જનાદેશ સાથે વિશ્વાસઘાત છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ ભારત-ચીન તંગદિલીના વિષયે શુક્રવારે બોલાવાયેલી સર્વપક્ષીય બેઠકમાં કહ્યું હતું કે, કોઇ અમારા ક્ષેત્રમાં ઘૂસ્યું નથી અને કોઇએ ચોકીઓ કબજે કરી નથી.
પીએમ મોદીના નિવેદનને લઇ વડાપ્રધાન કાર્યાલયે શનિવારે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી દ્વારા કરાયેલી સર્વપક્ષીય બેઠકમાં કરાયેલી ટિપ્પણીઓનો કેટલાક તબક્કાઓમાં ‘શરારતપૂર્ણ વ્યાખ્યા’નો પ્રયાસ કરાઇ રહ્યો છે. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે એક નિવેદનમાં કહ્યું કે, ‘‘૧૫-૧૬ જૂન, ૨૦૨૦ના રોજ ગલવાન વેલીમાં ભારતના ૨૦ બહાદૂર જવાનોએ વીરતા સાથે પોતાનું કર્તવ્ય નિભાવતા દેશ માટે પોતાના પ્રાણ આપ્યા. આ સર્વોચ્ચ બલિદાન માટે આપણે આ સાહસી સૈનિકો તથા તેમના પરિવારો પ્રત્યે જવાબદાદ છીએ. પરંતુ તેમનું આ બલિદાન વ્યર્થ જવું જોઇએ નહીં. મનમોહન સિંહે કહ્યું કે, આપણે ઇતિહાસના એક નાજૂક વળાંક પર ઊભા છીએ. આપણી સરકારના નિર્ણય તથા સરકાર દ્વારા ઉઠાવાયેલા પગલાં નક્કી કરશે કે, ભવિષ્યની પીઢીઓ આપણું આકલન કેવી રીતે કરશે. જે લોકો દેશનું નેતૃત્વ કરી રહ્યા છે તેમના ખભા પર કર્તવ્યની ઘેરી જવાબદારી છે.
મનમોહન સિંહ અનુસાર આપણા પ્રજાતંત્રમાં આ જવાબદારી દેશના વડાપ્રધાનની છે. વડાપ્રધાને પોતાના શબ્દો તથા ઘોષણાઓ દ્વારા દેશની સુરક્ષા તથા વ્યૂહાત્મક અને ભૌગોલિક હિતો પર પડનારી અસર પ્રત્યે હંમેશા અત્યંત સાવધાન રહેવું જોઇએ. પૂર્વ વડાપ્રધાને કહ્યું કે, ‘‘ચીને એપ્રિલ ૨૦૨૦થી લઇને આજ સુધી ભારતીય સરહદમાં ગલવાન ખીણ તથા પેંગોંગ ત્સો લેક વિસ્તારમાં અનેક વખત ઘૂસણખોરી કરી છે. અમે તેમની ધમકીઓ તથા દબાણની આગળ ઝૂકીશું નહીં અને ભૌગોલિક અખંડતા સાથે ક્યારેય સમજૂતી કરીશું નહીં. તેમણે કહ્યું કે, વડાપ્રધાને તેમના નિવેદનથી ચીનના ષડયંત્રકારી વલણને બળ આપવું જોઇએ નહીં તથા એ ખાતરી કરવી જોઇએ કે, સરકારના તમામ અંગો આ ખતરાનો સામનો કરવા અને સ્થિતિને વધુ ગંભીર થવાથી રોકવા માટે પરસ્પર સહમતીથી કામ કરે.’’ પૂર્વ વડાપ્રધાને કહ્યું કે, આજ યોગ્ય સમય છે જ્યારે આખા દેશે એકજૂટ થવાનું છે તથા સંગઠિત થઇને દુસાહસનો જવાબ આપવાનો છે. અમે સરકારને સચેત કરીએ છીએ કે, ભ્રામક પ્રચાર ક્યારેય કૂટનીતિ તથા મજબૂત નેતૃત્વનો વિકલ્પ હોઇ ના શકે. જી હજુરીવાળા સહયોગીઓ દ્વારા પ્રચાર કરાતા જુઠના આડંબરથી સત્યને દબાવી શકાય નહીં. તેમણે કહ્યું કે, અમે વડાપ્રધાન અને કેન્દ્ર સરકારને આગ્રહ કરીએ છીએ કે, તેઓ સમયના પડકારોનો સામનો કરે અને કર્નલ બી સંતોષ બાબુ તથા આપણા અન્ય સૈનિકોની કુરબાનીની કસોટી પર ખરા ઉતરીએ જેમણે રાષ્ટ્રીય સુરક્ષા તથા ભૌગોલિક અખંડતા માટે પોતાના પ્રાણની આહુતિ આપી. પૂર્વ વડાપ્રધાને કહ્યું કે, આનાથી કાંઇ પણ ઓછું કરવું એ જનાદેશથી ઐતિહાસિક વિશ્વાસઘાત હશે.

મનમોહનની સલાહ PM મોદી માનશે તેવી આશા : રાહુલ ગાંધી

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૨
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું છે કે, વડાપ્રધાન મોદીએ દેશના હિતમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની સલાહને માનવી જોઇએ જેમણે કહ્યું છે કે, ચીનના આક્રમણ અંગે ભ્રામક પ્રચાર ભારતીય સૈેનિકોએ આપેલી કુરબાની સાથે વિશ્વાસઘાત છે. રાહુલ ગાંધીએ ૧૫મી જૂનની રાતે લદ્દાખની ગલવાન વેલીમાં શહીદ થયેલા ૨૦ ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી અને જણાવ્યું કે, ભારત તેમની બલિદાનને ક્યારેય ભૂલશે નહીં. આ અંગે એક વીડિયો શેર કરીને રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, અમારા ભાઇઓને શ્રદ્ધાંજલિ. અમારા માટે તમે બધું જ ગુમાવ્યું છે. આ બલિદાનને અમે ક્યારેય ભૂલીશું નહીં. રાહુલ ગાંધીએ બીજું ટિ્‌વટ કરીને લદ્દાખમાં સ્થિતિ સંભાળવા મુદ્દે સરકારની ટિકા કરી હતી અને કહ્યું કે, દેશના હિતમાં મનમોહન સિંહની સલાહને સરકાર માનશે તેવી આશા છે. તેમણે પોતાના ટિ્‌વટમાં લખ્યું કે, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ દ્વારા આપેલી સલાહ મહત્વની છે. ભારતના સારા માટે મને આશા છે કે, વડાપ્રધાન વિનમ્રતાથ સલાહ માનશે. રાહુલ ગાંધીની આ ટિપ્પણી ત્યારે આવી જ્યારે સોમવારે મનમોહન સિંહે વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ચીનના આક્રમણ મુદ્દે ભ્રામક પ્રચાર એલએસી પર આપણા જવાનોના બલિદાન સાથે વિશ્વાસઘાત છે.

કોંગ્રેસે ચીનને જમીન સોંપી દીધી : લદ્દાખ મુદ્દે મનમોહનના વ્યંગ બાદ ભાજપનો વળતો જવાબ

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૨
મનમોહનસિંહને વળતો જવાબ આપતા ભાજપના પ્રમુખ જેપી નડ્ડાએ કહ્યું હતું કે, તેમણે વડાપ્રધાન તરીકે ભારતની સેંકડો સ્કવેર કિલોમીટર જમીન ચીનને શરણે કરી દીધી અને ૨૦૧૦થી ૨૦૧૩ વચ્ચે પાડોશી દેશને ૬૦૦ વખત ઘૂસણખોરી કરવા દીધી હતી. ચીન સાથેની મડાગાંઠ ઉકેલવા અંગે વડાપ્રધાન મોદી પર નિશાન તાક્યા બાદ ટિ્‌વટમાં નડ્ડાએ કહ્યું કે, કોંગ્રેસના નેતા અને તેમની પાર્ટીએ આપણા સૈનિકોનું સતત અપમાન અને તેમની વીરતાનું અપમાન કરવાનું બંધ કરવું જોઇએ. ભાજપના પ્રમુખે કહ્યું કે, તેમણે એર સ્ટ્રાઇક અને સર્જિકલ સ્ટ્રાઇક સમયે પણ આવી પોસ્ટ કરી હતી, કોંગ્રેસે ખાસ કરીને આવા સમયે રાષ્ટ્રીય એકતાનો સાચો અર્થ સમજવો જોઇએ. મનમોહન સિંહ એ જ પાર્ટી સાથેો નાતો ધરાવે છે જેણે નિઃસહાય રીતે ભારતની ૪૩,૦૦૦ કિલોમીટર જમીન ચીનને શરણે કરી દીધી હતી. યુપીએના શાસનકાળમાં શરણાગતિ સ્વીકારી લેવાઇ હતી.

સરહદ પર સંઘર્ષ વચ્ચે ચીન શા માટે PM 
મોદીના વખાણ કરી રહ્યું છે ? : રાહુલ ગાંધી

(એજન્સી) નવી દિલ્હી, તા.૨૨
લદ્દાખમાં ચીનની સેના સાથે હિંસક અથડામણમાં ભારતના ૨૦ સૈનિકો શહીદ થયા છે ત્યારથી મોદી સરકાર પર રાહુલ ગાંધી આકરા પ્રહાર કરી રહ્યા છે. સોમવારે રાહુલ ગાંધીએ જાણવા માંગ્યું હતું કે, ગલવાન વિસ્તારમાં એલએસી મુદ્દે દ્વીપક્ષીય કરાર મુદ્દે તંગદિલી અને લડાઈ ચાલુ છે ત્યારે ચીન શા માટે વડાપ્રધાન મોદીના વખાણ કરવામાં વ્યસ્ત છે ? શુક્રવારની સર્વપક્ષીય બેઠકમાં સરહદ અંગેના વડાપ્રધાન મોદીના નિવેદનને આવકારતા ચીનના સોશિયલ મીડિયાના સમાચારોને ટેગ કરતા ટિ્‌વટ કર્યું હતું કે, ચીને આપણા સૈનિકોને શહીદ કર્યા, ચીને આપણી જમીન લઈ લીધી, આ સંઘર્ષ વચ્ચે ચીન શા માટે વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી રહ્યું છે ? લદ્દાખ મુદ્દે ગત શુક્રવારે બોલાવાયેલી સર્વપક્ષીય બેઠકમાં તબક્કાવાર જણાવ્યું હતું કે, ભારતીય ક્ષેત્રમાં કોઈએ ઘૂસણખોરી કરી નથી અને કોઈએ ભારતીય ચોકીઓ કબજે કરી નથી. આના કારણે વિપક્ષે બીજા દિવસથી જ પીએમ મોદી પર આકરા પ્રહાર ચાલુ કરીને પૂછ્યું હતું કે, તો પછી આપણા સૈનિકો કોના વિસ્તારમાં શહીદ થયા. રાહુલ ગાંધીએ ધ હિંદુ અખબારના એક અહેવાલને શેર કર્યો હતો અને ચીન દ્વારા વડાપ્રધાન મોદીના નિવેદનને કેવી રીતે વળાંક અપાયો છે તેનો ગ્લોબલ ટાઈમ્સનો અહેવાલ રજૂ કર્યો હતો. મોદીના આ નિવેદનને અન્ય અખબારો તથા સોશિયલ મીડિયાના માધ્યમોએ શેર કર્યા હતા.