(એજન્સી) નવી દિલ્હી, તા.૧૦
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂમિપૂજનની સાથે જ નવા સંસદભવનની આધારશિલા મૂકી હતી. ચાર માળના સંસદભવનનું નિર્માણ કાર્ય ભારતની સ્વતંત્રતાની ૭૫મી વર્ષગાંઠ સુધી પૂરી થવાની શક્યતા છે. વૈદિક મંત્રોચ્ચારની વચ્ચે ભૂમિપૂજન કાર્યક્રમનો આરંભ થયો ! અને સંપન્ન થયા બાદ વડાપ્રધાને પરંપરાગત વિધિની સાથે આધારશિલા મૂકી. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, વિવિધ રાજકીય પાર્ટીના નેતા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથસિંહ સહિત અનેક કેન્દ્રીય મંત્રી, મોટી સંખ્યામાં સાંસદ અને અનેક દેશોના રાજદૂત આ ઐતિહાસિક અવસરના સાક્ષી બન્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, આજનો દિવસ ઐતિહાસિક છે અને માઈલસ્ટોન સાબિત થશે. દેશમાં હવે ભારતીયતાના વિચારોની સાથે નવી સંસદ બનવા જઈ રહી છે, આપણે દેશવાસી મળીને સંસદના નવા ભવનનું નિર્માણ કરીશું. જ્યારે ભારત પોતાની આઝાદીના ૭૫મા વર્ષની ઉજવણી કરશે, ત્યારે સંસદની ઈમારત તેની પ્રેરણા હશે. વડાપ્રધાને વધુમાં કહ્યું કે, હું એ પણ ક્યારેય નહીં ભૂલી શકું જ્યારે પહેલીવાર ૨૦૧૪માં સંસદ ભવનમાં આવ્યો હતો.
ત્યારે મેં શિશ ઝૂકાવીને નમન કર્યું હતું. હાલના સંસદભવને આઝાદીનું આંદોલન, સ્વતંત્ર ભારત, આઝાદ દેશની પહેલી સરકાર, પહેલી સંસદ, બંધારણ રચવામાં આવ્યું. પીએમ મોદીએ કહ્યું કે, નવું સંસદ ભવન સમયની માંગ છે પરંતુ જૂના સંસદ ભવનમાં આપણા દેશનો ઈતિહાસ સંગ્રહિત છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશમાં લોકતંત્ર કેમ સફળ છે. વડાપ્રધાને જણાવ્યું કે, દસમી શતાબ્દીમાં તમિલનાડુના એક ગામમાં પંચાયત વ્યવસ્થાનું વર્ણન છે. એ ગામમાં આજે પણ એવી જ રીતે મહાસભા ભરાય છે, જે એક હજાર વર્ષથી ચાલુ છે. ઁસ્એ જણાવ્યું કે ત્યારે પણ નિયમ હતો કે જો કોઈ પ્રતિનિધિ પોતાની સંપત્તિની વિગત નહીં આપે તો તે અને તેના સંબંધી ચૂંટણી નહીં લડી શકે.
પીએમ મોદીએ કહ્યું કે, નવા સંસદ ભવનમાં એવી અનેક ચીજો કરવામાં આવી રહી છે જેનાથી સાંસદોની દક્ષતા વધશે. તેમના વર્ક કલ્ચરમાં આધુનિક્તા આવશે. જૂના સંસદભવને સ્વતંત્રતા બાદના ભારતને દિશા આપી તો નવું ભવન આત્મનિર્ભર ભારતના નિર્માણનું સાક્ષી બનશે. જૂના સંસદભવનમાં દેશની આવશ્યક્તાઓની પૂર્તિત માટે કામ થયું તો નવા ભવનમાં ૨૧મી સદીના ભારતની આકાંક્ષાઓ પૂરી કરવામાં આવશે. વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આપણે યાદ રાખવાનું છે કે, લોકતંત્ર જે સંસદભવનનું અસ્તિત્વનો આધાર છે, તેના પ્રત્યે આશાવાદને જાગૃત રાખવું આપણા સૌની જવાબદારી છે. આપણે એ હંમેશા યાદ રાખવાનું છે કે, સંસદ પહોંચેલો દરેક પ્રતિનિધિ જવાબદારી હોય. તેમની જવાબદારી જનતાની પ્રત્યે પણ છે અને બંધારણના પ્રત્યે પણ છે.