(એજન્સી) નવી દિલ્હી, તા.૧૪
ઈરાને ભારતને મોટો ઝટકો આપતા ચાબહાર રેલ પ્રોજેક્ટમાંથી બહાર કર્યું છે. ઈરાને ભારત દ્વારા પ્રોજેક્ટની ફંડિંગમાં વિલંબ કરવાનું કારણ જણાવ્યું છે. ઈરાને જાહેરાત કરી છે કે, હવે તે એકલું જ આ પ્રોજેક્ટને પુરૂં કરશે. ભારત માટે ઇરાનનો આ નિર્ણય લશ્કરી અને વ્યૂહાત્મક રીતે મોટો ઝટકો માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ઈરાન અને ચીન વચ્ચે ૪૦૦ બિલિયન ડૉલરની એક મહાકાય ડીલ થવાની છે. એવું માનવામાં આવે છે કે, આ સોદાને પગલે ઈરાને ચાબહાર પ્રોજેક્ટમાંથી ભારતને બહાર કર્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ઇરાનના ચાબહાર પોર્ટથી લઇને જદેહાન વિસ્તાર સુધી રેલ પ્રોજેક્ટ વિકસાવવાનો હતો. આ રેલ પ્રોજેક્ટને અફઘાનિસ્તાનની સરાંગ સરહદ સુધી લઈ જવાની પણ યોજના હતી. અહેવાલ અનુસાર આ યોજનાને માર્ચ ૨૦૨૨ સુધી પૂરી કરવાની છે.
વર્ષ ૨૦૧૪માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઈરાન પ્રવાસમાં ચાબહાર સમજૂતી પર હસ્તાક્ષર થયા હતા. સમગ્ર પ્રોજેક્ટ પર ૧.૬ અબજ ડૉલરનો ખર્ચ થવાનો હતો. અહેવાલો મુજબ અમેરિકી પ્રતિબંધોના ડરને કારણે ભારતે આ રેલ પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું ન હતું. ભારતની સરકારી કંપની ઈરકોનને આ પ્રોજેક્ટ અપાયો હતો. આ પ્રોજેક્ટ ભારતના અફઘાનિસ્તાન અને અન્ય મધ્ય એશિયન દેશો સુધી એક વૈકલ્પિક માર્ગ પૂરો પાડવાની કટિબદ્ધતાને પૂરી કરવા માટે બનાવવાનો હતો જેનો ભવિષ્યમાં ભારતને ઘણો ફાયદો થઈ શક્યો હોત. પરંતુ હવે ઈરાનની જાહેરાત બાદ ભારતને મોટો ફટકો પડ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઈરાન અને પાકિસ્તાન મળીને સીપેક યોજના પર કામ કરી રહ્યા છે. આ પ્રોજેક્ટથી ચીન અને પાકિસ્તાનને ભારત પર વ્યૂહાત્મક ફાયદો મળવાની આશા સેવાઇ છે. આ યોજનાના જવાબમાં ભારતે ઈરાન સાથે ચાબહાર પ્રોજેક્ટની સમજૂતી કરી હતી જેને ભારતની મોટી સફળતા તરીકે જોવાઇ હતી. હવે ભારતના આમાંથી બહાર થવાથી સીધી રીતે જ ચીન અને પાકિસ્તાનને ફાયદો પહોંચશે.