(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૨
અમરનાથ યાત્રીઓ ઉપર આતંકવાદી હુમલા બાદ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આજે આકરા પ્રહાર કર્યા હતા. રાહુલે અનંતનાગમાં હુમલાને રોકવામાં નિષ્ફળતા બદલ કેન્દ્ર ઉપર પ્રહાર કરતા એક પછી એક ટિ્‌વટ કર્યા હતા. રાહુલે કહ્યું હતું કે, વડાપ્રધાનની નીતિઓના કારણે કાશ્મીરમાં ત્રાસવાદીઓને હવે જગ્યા મળી ગઈ છે. આ ભારત માટે વ્યૂહાત્મક આઘાત તરીકે છે. રાહુલે પોતાની ટિ્‌વટમાં જમ્મુ કાશ્મીરની ભાજપ-પીડીપી સરકાર ઉપર પણ પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, પીડીપીથી ગઠબંધનને મળનાર નાનકડા લાભ માટે ભારતની પ્રતિષ્ઠા દાવ ઉપર મૂકી દેવામાં આવી છે. મોદી ઉપર પ્રહાર કરવામાં આક્રમક દેખાઈ રહેલા રાહુલે કહ્યું હતું કે, મોદીના વ્યક્તિગત લાભના કારણે દેશને નુકસાન થઇ રહ્યું છે. નિર્દોષ ભારતીયોની હત્યા થઇ રહી છે.
દરમિયાન ભાજપના નેતા આરકે સિંહે જણાવ્યું હતું કે, આ કાળા દિવસ માટે સમગ્ર દેશ એકજૂથ છે ત્યારે રાહુલ ગાંધી જેવા લોકો અવાજને જુદો પાડવાના પ્રયાસો કરી રહ્યા છે. અત્યારે આપણે દુશ્મનોને શોધીને મારવાનો સમય છે નહીં કે, આરોપ મૂકવા અને રાજનીતિ કરવાનો. આ બાબત એવી છે કે કેટલાક લોકો હજુ સમજુ થયા નથી. સોમવારના દિવસે અમરનાથ યાત્રીઓની બસને ટાર્ગેટ બનાવીને હુમલો કરાયો હતો જેમાં સાત લોકો માર્યા ગયા હતા અને ૩૨થી વધુ શ્રદ્ધાળુ ઘાયલ થયા હતા. આ હુમલાની પહેલાંથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સહિતના નેતાઓ ટીકા કરી ચૂક્યા છે. રાહુલ ગાંધીએ કહ્યંુ હતું કે, મોદીની નીતિના કારણે જ કાશ્મીરમાં ત્રાસવાદીઓને હવે સીધો ફાયદો થઇ રહ્યો અને તેમને હુમલા કરવાની તક મળી રહી છે. રાહુલ ગાંધી ખેડૂતોના મુદ્દા ઉપર પણ વડાપ્રધાનને ભીંસમાં લેવાના પ્રયાસ કરી ચૂક્યા છે. હાલમાં વેકેશન ગાળા બાદ સ્વદેશ પરત ફરેલા રાહુલે મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર સામે જુદા જુદા મોરચા ઉપર પ્રહારો શરૂ કરી દીધા છે. કોંગ્રેસના અન્ય નેતાઓ પણ કહી ચૂક્યા છે કે, માત્ર નિવેદનબાજીથી કામ ચાલશે નહીં. ત્રાસવાદીઓ સામે નિર્ણાયક કાર્યવાહી કરવી પડશે. મોદીના અંગત લાભના કારણે ભારતને વ્યૂહાત્મક નુકસાન થઇ રહ્યું છે. નિર્દોષ ભારતીયો મરી રહ્યા હોવાનો દાવો રાહુલે કર્યો છે. દરમિયાન અમરનાથ હુમલા અંગે સત્તાધારી ભાજપ અને પીડીપી પર પ્રહારો કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીની નીતિઓને કારણે કાશ્મીર ખીણમાં આતંકવાદીઓને છૂટોદોર મળ્યો છે.