(એજન્સી) નવી દિલ્હી,તા. ૧૧
મધ્ય પ્રદેશમાં રાજકીય સંકટ સર્જાયા બાદ અને જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ પાર્ટી છોડીને ભાજપમાં જોડાઇ ગયા પછી કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશમાં ચૂંટાયેલી કોંગ્રેસ સરકારને અસ્થિર કરવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આરોપ મૂક્યો છે. રાહુલ ગાંધીએ મધ્ય પ્રદેશની સરકારને અસ્થિર કરવા પાછળ સીધી રીતે વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)ને જવાબદાર ઠરાવ્યો છે. રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ)ને ટ્‌વીટ કરતા લખ્યું છે કે, જ્યારે તમે કોંગ્રેસની ચૂંટાયેલી સરકારને તોડી પાડવામાં વ્યસ્ત હતા, ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ પ્રાઈસમાં ૩૫ ટકાનો ઘટાડો નોંધાયો છે પરંતુ આ બાબતની નોંધ કરવાનું કદાચ પીએમ ચુકી ગયા હશે. ટિ્‌વટર પર કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષે એવું પણ લખ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવોમાં ૩૫ ટકા સુધીનો ઘટાડો થયો હોવાથી શું તમે (વડાપ્રધાન) પેટ્રોલના ભાવો ૬૦ રૂપિયા પ્રતિ લિટર નીચે સુધી ઘટાડીને ભારતીયોને તેનો લાભ આપશો ? જો પેટ્રોલના ભાવો ઘટશે તો આ બાબત આર્થિક મંદીમાં સપડાયેલા ભારતીય અર્થતંત્રને વેગ આપવામાં મદદરૂપ થશે.