(એજન્સી) નવી દિલ્હી, તા. ૬
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કોરોના વાયરસ રોગચાળા અને અમ્ફાન વાવાઝોડાના માઠા પરિણામ વચ્ચે રાજ્ય જ્યારે ઝઝૂમી રહ્યું છે ત્યારે રાજનીતિ કરવા બદલ વિપક્ષી ભાજપ પર ફીટકાર વરસાવી છે. વિશ્વ પર્યાવરણ દિવસના એક કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું કે, મને ખરેખર દુઃખ થયું છે જ્યારે આપણે કોરોના અને અમ્ફાન વિરૂદ્ધ લડી રહ્યા છીએ અને લોકોના જીવન બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે કેટલીક રાજકીય પાર્ટીઓ અમને હટાવવાની વાત કરે છે. મેં ક્યારેય કહ્યું નથી કે, પીએમ મોદીને દિલ્હીમાંથી હટાવી દેવા જોઇએ. તેમણે સવાલ કર્યો કે, શું રાજનીતિમાં પડવાનો આ સમય છે ? છેલ્લા ત્રણ મહિનાથી તેઓ ક્યાં હતા ? અમે જમીની સ્તરે કામ કરી રહ્યા છીએ. મમતા બેનરજીએ ભારપૂર્વક જણાવ્યું કે, બંગાળ કોરોના અને ષડયંત્ર વિરૂદ્ધ જીતશે.
સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને સમયસર ચૂકવણી અને વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકોને મદદ કરવા જેવા પડકારોને ગણાવતા મમતા બેનરજીએ કહ્યું કે, પહેલા જ નુકસાનથી ઝઝૂમી રહેલા ૨૫ લાખ ખેડૂતો અને મકાન ગુમાવનારા પાંચ લાખ પરિવારોને રાહત પહોંચાડાઇ છે. તેમણે આરોપ લગાવ્યો કે, આવા વિનાશમાંથી નાણા બનાવવાનો એક વ્યૂહ છે. આ પહેલા ભાજપના રાજ્ય પ્રમુખ દિલીપ ઘોષે કહ્યું હતું કે, આ રોગ સીપીઆઇએમમાં હતો અને હવે આ તૃણમુલ કોંગ્રેસમાં પ્રસર્યો છે. મમતાએ આ પહેલા જણાવ્યું હતું કે, ૨૦મી મેએ પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કેટલાક ભાગોને તબાહ કરનારા વાવાઝોડાએ રાજ્યમાં આશરે એક લાખ કરોડ રૂપિયાનું નુકસાન કર્યું છે. ભાજપના નેતા દિલીપ ઘોષે પણ વાવાઝોડાના રાષ્ટ્રીય આપદા જાહેર કરવાની માંગ કરનારા મમતાની હાંસી ઉડાવી હતી. ભાજપના નેતાએ કહ્યું કે, આને રાષ્ટ્રીય આપદા ના કહેવાય. રાજ્ય સરકાર કેન્દ્રને નુકસાન અંગે જણાવી શકે છે. રાજ્યમાં પરત ફરી રહેલા પરપ્રાંતિય શ્રમિકોની અવદશા અંગે ઘોષે કહ્યું કે, તેમના માટે ભોજન અને પાણીની પૂરતી વ્યવસ્થા નથી. જેના કારણે તેઓ અનેક જગ્યાએ વિરોધ કરી રહ્યા છે.