(એજન્સી) નવી દિલ્હી, તા. ૨
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સહિતના મંત્રીઓની સાથે સતત બેઠકો કરી હતી અને કોરોના વાયરસને ડામવા માટે કરાયેલા લોકડાઉનની અનેક સેક્ટરો પર પડેલી અસરો માટે બીજું રાહત પેકેજ જાહેર કરવા અંગે સંભવિત ચર્ચાની શક્યતા સેવાઇ રહી છે. સૂત્રોએ જણાવ્યું કે, વડાપ્રધાન મોદીએ અમિત શાહ અને નિર્મલા સીતારમણ સાથે બેઠકો કરી હતી જેઓ હવે અન્ય ચાવીરૂપ મંત્રીઓ કે જેઓ નાના, સૂક્ષ્મ તથા મધ્યમ ઉદ્યોગોના મંત્રાલયો સાથે સંકળાયેલા છે તેમની સાથે બેઠકો કરશે. નાણા મંત્રાલયે શુક્રવારે માસિક જીએસટી કલેક્શન નંબરો બહાર પાડવાનું પણ મોકૂફ રાખ્યું હતું અને રાજ્યોની આવક અંગે વડાપ્રધાન સાથે બેઠકના દિવસે વિગતવાર રજૂઆત કરશે જેનાથી ભારતીય અર્થવ્યવસ્થાને રાહત આપવા માટેની ચર્ચા થઇ શકે. વડાપ્રધાને નાગિરક ઉડ્ડયન, કામદાર અને વિજળી મંત્રાલયો સહિતના મંત્રીઓ સાથે શુક્રવારે જ બેઠકો કરી હતી. તેમણે વિદેશી તથા ભારતીય રોકાણ અંગે નાના, સૂક્ષ્મ તથા મધ્યમ ઉદ્યોગોના મંત્રાલયો સાથે બેઠક કરીને તેના પર ધ્યાન આપવા અંગે ચર્ચા કરી હતી. આ બેઠકો દરમિયાન ગૃહ મંત્રી અને નાણા મંત્રી બંને હાજર રહ્યા હતા. નીચલા તબક્કાના લોકોને પડતી તકલીફો વચ્ચે સરકારે માર્ચના અંતમાં ૧.૭ લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી જેમાં ગરીબોને અનાજ, રાંધણ ગેસ અને ગરીબમ હિલાઓ માટે રોકડની સહાયતા જારી કરાઇ હતી.