જીવલેણ કોરોના વાયરસે ભારતમાં ભય ફેલાવવાનું ચાલુ રાખ્યું હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે એવી જાહેરાત કરી છે કે કોવિડ-૧૯ ફાટી નીકળ્યાની બાબતને ધ્યાનમાં રાખીને આ વર્ષે તેઓ ‘હોલી મિલન’ના કોઇ પણ કાર્યક્રમોમાં ભાગ લેશે નહીં. કોરોના વાયરસ ફેલાતા અટકાવવા માટે મોટા પાયે કોઇ કાર્યક્રમ નહીં યોજવાની નિષ્ણાતોએ આપેલી સલાહને ટાંકીને પીએમ મોદીએ માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ ટિ્‌વટર પર આ વાત કહી છે. ટિ્‌વટર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું છે કે સમગ્ર વિશ્વના નિષ્ણાતોની સલાહને ધ્યાનમાં રાખીને તેમણે આ વર્ષે કોઇ પણ હોલી મિલનના કાર્યક્રમોમાં ભાગ નહીં લેવાનું નક્કી કર્યું છે. ભારતમાં કોરોના વાયરસના નવા કેસો સામે આવ્યા બાદ વડાપ્રધાન મોદીએ મંગળવારે કોરોના વાયરસ અંગેની તૈયારીઓની સમીક્ષા કરી હતી. નોંધનીય છે કે સમગ્ર વિશ્વમાં આ જીવલેણ કોરોના વાયરસે ૩૦૦૦થી વધુ લોકોનો ભોગ લીધો છે અને ભારતમાં પણ કોરોના વાયરસના અત્યાર સુધીમાં ૨૮ કેસો બહાર આવ્યા છે. કોવિડ-૧૯ મુદ્દા અંગે યોજાયેલી એક બેઠકની અધ્યક્ષતા કર્યા બાદ તેમણે જણાવ્યું કે વિદેશથી ભારત આવતા લોકોના સ્ક્રિનીંગથી માંડીને તાકીદે ચિકિત્સા આપવા સુધીની સમગ્ર ગતિવિધિઓ માટે વિભિન્ન મંત્રાલયો સાથે મળીને કામ કરી રહ્યા છે અને ગભરાવાની કોઇ જરૂર નથી. તેમણે એવું પણ કહ્યું કે આપણે સાથે મળીને કામ કરવાની જરૂર છે. સ્વબચાવની ખાતરી કરવા માટે નાના મહત્વના પગલાં ભરો.