જિલ્લાધ્યક્ષ દ્વારા સોશ્યલ મીડિયા પર મૂકવામાં આવેલી પોસ્ટએ લોકોમાં ચર્ચાનો વિષય બની છે. આ કેસમાં હવે યુપીના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું છે કે જિલ્લાધ્યક્ષની વિરૂદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. એક તરફ જ્યાં તેમની પોસ્ટ વાયરલ થઈ રહી છે તો બીજી તરફ તેણે એક વિવાદનું સ્વરૂપ ધારણ કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સીએમ યોગીએ બરેલીના ડી.એમ.ને બોલાવ્યા છે. તો બીજી તરફ રાજ્યના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્યએ ડી.એમ.ની એફ.બી.પોસ્ટ પર વાંધો દર્શાવતા કહ્યું છે કે, “આને સાંખી લેવામાં આવશે નહીં અને તેમની વિરૂદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. તેઓ કોઈપણ રાજકીય પક્ષના પ્રવકતા તરીકે નિવેદનબાજી કરી રહ્યા છે” પ્રદેશ સરકાર ડી.એમ.ની એફ.બી. પોસ્ટની નોંધ લેશે. કાસગંજ કેસમાં સરકારની કોઈ નિષ્ફળતા નથી રહી. જે પણ તિરંગાનું અપમાન કરશે, સરકાર તેની વિરૂદ્ધ કાર્યવાહી કરશે.

‘‘પાકિસ્તાન આપણો શત્રુ છે, પરંતુ મુસ્લિમો આપણા છે’’ : મારી પોસ્ટથી કોઈને દુઃખ થયું હોય તો તે બદલ હું દિલગીર છું : જિલ્લાધિકારી

બરેલી જિલ્લાના જિલ્લા કલેક્ટર આર.વિક્રમસિંહની ફેસબુક પોસ્ટ પર વિવાદ સર્જાતા તેમણે સ્પષ્ટતા કરી છે. તેમણે પોતાની જૂની ફેસબુક પોસ્ટ દૂર કરી નવી પોસ્ટ મૂકી છે. જેમાં તેમણે લખ્યું છે કે, તેમની પોસ્ટથી જો કોઈને દુઃખ થયું હોય તો તેઓ માફી માંગી રહ્યા છે. ડી.એમ.આર. વિક્રમસિંહે નવી પોસ્ટમાં લખ્યું કે તેમની પોસ્ટ બરેલીમાં કાંવડ યાત્રા દરમિયાન ઊભી થયેલી કાયદો અને વ્યવસ્થાની સમસ્યા અંગે હતી. તેમને આશા હતી કે આ મુદ્દા પર બૌદ્ધિક ચર્ચા થશે પરંતુ કમનસીબે તેને જુદો વળાંક આપવામાં આવ્યો. તેમણે લખ્યું છે કે તેઓ ખૂબ જ દુઃખી છે. આપણે પરસ્પર ચર્ચા એટલા માટે કરીએ છીએ કે જેથી આપણે શ્રેષ્ઠ બની શકીએ. મને લાગે છે કે, ઘણા લોકોને આ બાબતે વાંધો પણ છે અને તકલીફ પણ. મારો હેતુ કોઈને દુઃખી કરવાનો નહોતો. સાંપ્રદાયિક વાતાવરણ સુધારવું એ આપણી વહીવટી અને નૈતિક જવાબદારી છે. પાકિસ્તાન આપણો શત્રુ છે, તેમાં કોઈ જ શંકા નથી. પરંતુ મુસ્લિમો આપણા છે, તે અંગે પણ કોઈ જ શંકા નથી. હું ઈચ્છું છું કે આ વિવાદ પૂર્ણ થાય. અંતમાં તેમણે લખ્યું કે, તેઓ તેમના મિત્રો અને ભાઈઓ પાસે માફી માંગવા ઈચ્છે છે, જેમને તેમની આ પોસ્ટથી તકલીફ થઈ.