આંદોલનકારી ખેડૂતો ૧૪
ડિસેમ્બરથી જિલ્લા ઓફિસ પર
જીલ્લા અધિકારીઓ અને સરકારી ઓફિસો પર ઘેરાવ
કરશે, સરકારે ૬૦થી વધુ જિલ્લા
કલેક્ટરો અને ૨૫૦૦થી વધુ
સુરક્ષાકર્મીઓનો ખડકલો કયા
આજે સવારે દિલ્હી-જયપુર હાઈવે પર હજારો ખેડૂતો ‘દિલ્હી ચલો’
માર્ચમાં જોડાશે, આજ બીજા રાજ્યોમાંથી પણ લાખો ખેડૂતો વિરોધ
પ્રદર્શનમાં સામેલ થશે, ખેડૂત નેતાઓ આવતીકાલે ભૂખ હડતાળ કરશે
(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૨
સરકાર અને ખેડૂતો વચ્ચેની મંત્રણાઓનો દોર મડાગાંઠ વચ્ચે જ સમાપ્ત થયા બાદ આંદોલન ૧૭મા દિવસે પ્રવેશતાં ખેડૂત સંગઠનો દ્વારા કરાયેલા જલદ આંદોલનની જાહેરાત અનુસાર આખરે ખેડૂતોએ દિલ્હી-જયપુર હાઇવે બ્લોક કરવાની હાકલ કરી દીધી હતી. તેઓ ૧૪મી ડિસેમ્બરના રોજ એકીસાથે ભૂખ હડતાળ કરશે. તેમણે જણાવ્યું કે, સરકાર વાત કરવા માગે તો અમે તૈયાર છીએ પરંતુ અમારી મુખ્ય માગ ત્રણેય કાયદા રદ કરવાની છે. આ દરમિયાન દિલ્હી-હરિયાણા સરહદ પર ૬૦ જિલ્લા કલેક્ટરોને ખડકીદેવાયા છે જ્યારે ગુરૂગ્રામમાં ૨૦૦૦-૨૫૦૦ જેટલા પોલીસ કર્મીઓનો ખડકલો કરાયો છે.બીજી તરફ ખેડૂતોના આંદોલન ઉગ્ર બનાવવાની જાહેરાત સામે ભાજપે કૃષિ કાયદાઓના ફાયદા ગણાવવાનું અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી હતી. ખેડૂત આગેવાનોએ વડાપ્રધાન મોદી દ્વારા એફસીસીઆઇમાં કરેલા સંબોધનની પણ અવગણના કરાઇ હતી જેમાં તેમણે નવા કૃષિ કાયદાઓના ફાયદા ગણાવ્યા હતા.
ખેડૂતોએ કરેલી જાહેરાત પ્રમાણે તેમણે ટોલ પ્લાઝા ફ્રી કરવાનું શરૂ કરી દીધું છે. અંબાલાના શંભુ ટોલ પ્લાઝા પર વાહનો ટોલ ચૂકવ્યા વગર જ પસાર થઇ રહ્યાં છે. કરનાલનું બસ્તારા ટોલ પ્લાઝા પણ ફ્રી કરવામાં આવ્યું છે. જ્યારે ખેડૂતોએ દિલ્હી-જયપુર અને દિલ્હી-આગ્રા હાઇવે જામ કરવાની જાહેરાત કરી હતી. ખેડૂતોના ટોલ ફ્રી કરવાની ચેતવણીને ધ્યાનમાં રાખતાં ફરીદાબાદ પોલીસ દિલ્હી-હરિયાણાના રસ્તામાં આવતાં ૫ ટોલ પ્લાઝા પર ૩૫૦૦ પોલીસકર્મી તહેનાત કર્યા. બદરપુર, ગુરુગ્રામ-ફરીદાબાદ, કુંડલી-ગાઝિયાબાદ-પલવલ, પાલી ક્રશન ઝોન અને ધૌન ટોલ પ્લાઝા પર પ્રદર્શનકારીઓ પર ચાંપતી નજર રાખવામાં આવી હતી. ખેડૂતોએ ૧૨ ડિસેમ્બરે દેશભરના તમામ ટોલનાકાઓને ટોલ ફ્રી કરવાનું એલાન પણ કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે, ટોલપ્લાઝા એક દિવસ બંધ રહે તો પણ કેન્દ્ર સરકારને કરોડો રુપિયાની આવકમાં નુકસાન પહોંચે છે. આ સાથે આંદોલનકારી ખેડૂતોએ ૧૪ ડિસેમ્બરથી જીલ્લા ઓફિસ પર જીલ્લા અધિકારીઓ અને સરકારી ઓફિસો પર ઘેરો કરવાની રણનીતિ પણ તૈયાર કરી લીધી છે. આંદોલનમાં સામેલ થવા માટે પંજાબના અલગ અલગ જિલ્લાના ૫૦ હજાર ખેડૂત શુક્રવારે દિલ્હી માટે રવાના થયા હતા. તેઓ આજે સાંજ સુધીમાં કુંડલી બોર્ડર પહોંચ્યા હતા. જ્યારે ટીકરી અને સિંધુ બોર્ડર પર અત્યારસુધી ૧૧ ખેડૂતનાં મોત થઈ ચૂક્યા છે. ખેડૂતોએ હવે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. સરકારે સાથે અનેક ચરણની વાતચીત અને તાજેતરમાં મોકલેલા પ્રસ્તાવને ફગાવ્યા બાદ ખેડૂતોએ એકતરફ આંદોલનને વેગ આપવાનો નિર્ણય કર્યો છે તો બીજીતરફ ન્યાયિક રીતે પણ સરકારને પડકારવાનું મન મક્કમ બનાવ્યું છે. ખેડૂતો સંગઠન ભારતીય કિસાન યુનિયને જણાવ્યું છે કે નવા કાયદાથી કોર્પોરેટ કંપનીઓની લાલચ સામે તેઓ લાચાર બનીને રહી જશે.
Recent Comments