(એજન્સી) નવી દિલ્હી, તા.૨૩
કાશ્મીર મુદ્દા અંગે મધ્યસ્થતા કરવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિનંતી કરી હોવાના અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ચોંકાવનારા દાવાથી સંસદમાં મંગળવારે ભારે હોબાળો સર્જાયો છે. સંસદમાં હંગામો શાંત પાડવા માટે વિદેશ પ્રધાન એસ.જયશંકરે ગૃહને ખાતરી આપતા જણાવ્યું કે પીએમ મોદી દ્વારા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આવી કોઇ વિનંતી કરવામાં આવી નથી. વિદેશ પ્રધાને સંસદના બંને ગૃહમાં એક નિવેદનમાં જણાવ્યું કે હું આ રેકોર્ડ પર મૂકવા માગું છું કે કાશ્મીર મુદ્દા અંગે મધ્યસ્થતા કરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કોઇ વિનંતી કરવામાં આવી નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચેના બધા વિવાદો બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય છે અને રહેશે. વિદેશ પ્રધાને એવો પણ પુનરોચ્ચાર કર્યો કે પાકિસ્તાન સરહદ પારના ત્રાસવાદનો અંત નહીં આણે ત્યાં સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા શક્ય નથી. વિરોધ પક્ષો તરફથી સંસદમાં ભારે વિરોધ વચ્ચે વિદેશ પ્રધાને જણાવ્યું કે સિમલા સમજૂતી અને લાહોર ડેકલેરેશને કાશ્મીર મુદ્દા અંગે કોઇ પણ મંત્રણા માટે માર્ગ બનાવ્યો છે. વિદેશ પ્રધાન દ્વારા કરવામાં આવેલી સ્પષ્ટતાથી પણ વિરોધ પક્ષો શાંત અને સંતુષ્ટ થયા ન હતા અને તેઓએ ટ્રમ્પની ટિપ્પણીઓ અંગે સંસદમાં પીએમ મોદી પાસે ખુલાસાની માગણી કરી હતી. વિપક્ષે જણાવ્યું કે વડાપ્રધાન મોદી આ મુદ્દા અંગે સ્પષ્ટતા નહીં કરે ત્યાં સુધી તેઓ વિરોધ ચાલુ રાખશે અને વિપક્ષે ‘પ્રધાનમંત્રી ગૃહમાં આવો’ અને ‘પ્રધાનમંત્રી જવાબ આપો’ના સૂત્રોચ્ચારો કર્યા હતા. ભારે હોબાળો કરીને વિરોધ પક્ષો લોકસભા અને રાજ્યસભામાંથી વોકઆઉટ કરી ગયા હતા. વિપક્ષના ભારે વિરોધને કારણે ગૃહની બેઠક ઘણી વાર મોકૂફ રાખવાની ફરજ પડી હતી. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓબ્રાયને જણાવ્યું કે હું એવું સમજું છું કે પીએમ મોદી લોકસભા અને રાજ્યસભામાં સ્પષ્ટતા નહીં કરે ત્યાં સુધી વિપક્ષ વિરોધ કરવાનું ચાલુ રાખશે. જ્યારે કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીએ જણાવ્યું કે તેમનો પક્ષ ટ્રમ્પની વિવાદ ટિપ્પણીને પ્રાથમિકતા આપશે. દરમિયાન, અમેરિકાના વિદેશ મંત્રાલયે દેખીતી રીતે ડેમેજ કન્ટ્રોલ કરવાના એક પ્રયાસરૂપે જણાવ્યું કે કાશ્મીર એક દ્વિપક્ષીય મુદ્દો છે. ટ્રમ્પ વહીવટીતંત્ર ભારત અને પાકિસ્તાન એક સાથે બેસીને આ મુદ્દો ઉકેલે અને અમેરિકા તેમને મદદ કરવા માટે તૈયાર છે. જ્યારે શાસક ભાજપે પીએમ મોદીને નિશાન બનાવીને કોંગ્રેસ સામે પોતાને રાષ્ટ્રહિતથી ઉપર રાખવાનો આરોપ મૂક્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પે ખરેખર શું કહ્યું હતું ?

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એવો દાવો કર્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને કાશ્મીર મુદ્દા અંગે મધ્યસ્થતા કરવાનું કહ્યું હતું. મોદી અને ટ્રમ્પે ગયા મહિને જાપાનના ઓસાકામાં યોજાયેલી જી-૨૦ શિખર પરિષદથી અલગ કાશ્મીર મુદ્દા અંગે ચર્ચા કરી હતી. ચર્ચા દરમિયાન મોદીએ ટ્રમ્પને કાશ્મીર મુદ્દા અંગે ત્રીજા પક્ષની મધ્યસ્થતાની ઓફર કરી હતી. ટ્રમ્પે કહ્યું કે ‘હું બે સપ્તાહ પહેલા વડાપ્રધાન મોદી સાથે હતો અને અમે કાશ્મીર મુદ્દા અંગે વાત કરી હતી. મોદીએ વાસ્તવમાં કહ્યું હતું શું તમે મધ્યસ્થતા કે મધ્યસ્થી બનવા માગશો ?’ મેં કહ્યું ‘ક્યાં ?’, મોદીએ કહ્યું ‘કાશ્મીર.’ તેમણે કહ્યું ‘કારણ કે આ ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે. મને આશ્ચર્ય છે કે આ કેટલા લાંબા સમયથી ચાલી રહ્યું છે.’ ટ્રમ્પે કહ્યું કે જો બંને દેશ કહેશે તો તેઓ મદદ માટે તૈયાર છે.