(એજન્સી) તા.પ
વડાપ્રધાન મોદીએ રાફેલ સોદા વિશે કરેલા આક્ષેપો પર વળતો પ્રહાર કરતાં કોંગ્રેસે દાવો કર્યો હતો કે સરકારે આ યુદ્ધ વિમાનને ખરીદવાની પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે ગઠિત કરવામાં આવેલી ઉચ્ચસ્તરીય સમિતિના અહેવાલની અવગણના કરી હતી. જેના વિશે વડાપ્રધાન મોદીએ જવાબ આપવો જોઈએ. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ સંરક્ષણ મંત્રી એ.કે. એન્ટોનીએ પત્રકારોને જણાવ્યું હતું કે આપણા પ્રધાનમંત્રી દેશભરમાં ફરી રહ્યા છે અને ખોટી જાણકારીઓ ફેલાવી રહ્યાં છે. તેમણે કોંગ્રેસ પર આક્ષેપ કર્યો હતો કે દલાલીના કારણે રાફેલ સોદામાં વિલંબ થયો હતો. તેમના આ આક્ષેપમાં કોઈ સચ્ચાઈ નથી. પૂર્વ રક્ષામંત્રીએ કહ્યું હતું કે કેગના રિપોર્ટ પરથી આ સ્પષ્ટ છે કે પૂર્વની એનડીએ સરકારે ૪ વર્ષ વેડફી દીધા હતાં. પરંતુ જ્યારે યુપીએ સરકાર આવી ત્યારે અમે પ્રક્રિયા શરૂ કરી હતી. એન્ટોનીએ જણાવ્યું હતું કે આ પ્રક્રિયા દરમ્યાન ભાજપના નેતાઓ યશવંતસિંહા અને સુબ્રમણ્યમ સ્વામીએ વાંધો ઉઠાવ્યો હતો. ત્યારબાદ એક સમિતિનું ગઠન થયું હતું. પરંતુ નરેન્દ્ર મોદી સરકારે આ સમિતિના અહેવાલની અવગણના કરી હતી. તો અમે સરકારમાં રહીને સમિતિના અહેવાલની અવગણના કરી હોત તો કેગ દ્વારા કેવી પ્રતિક્રિયા આપવામાં આવી હોત ? શું ત્યારે પણ મીડિયાનો આવો જ અભિગમ રહ્યો હોત. કોંગ્રેસ નેતાએ કહ્યું મને આ જાણીને અચંબો થયો કે આ સરકારમાં સમિતિના અહેવાલ પર ન તો ચર્ચા થઈ ન તો સંરક્ષણ બાબતોની કેબિનેટ સમિતિમાં તેના પર વિચારણા થઈ. વડાપ્રધાને જવાબ આપવો જોઈએ કે તેમની સરકારે સમિતિના અહેવાલની ઉપેક્ષા કેમ કરી ? એન્ટોનીએ આક્ષેપ કર્યો હતો કે વડાપ્રધાન મોદીએ ફ્રાંસ સાથે કરેલા કરારમાં રાષ્ટ્રપતિ સાથે સમાધાન કર્યું છે.