(એજન્સી) મુંબઈ, તા.ર૪
ગુરૂવારે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કરતા કહ્યું કે વડાપ્રધાન મોદી ભારતમાં માત્ર ત્યારે જ પાછા ફરે છે કે જ્યારે ચૂંટણી હોય અને જ્યારે તે પતિ જાય છે ત્યારે તેઓ ભારત છોડીને જતા રહે છે. આપણા વડાપ્રધાન માત્ર વિદેશોમાં ફર્યા કરે છે અને ભાજપ કહે છે કે દેશ બદલાઈ રહ્યો છે.
ઠાકરેએ ર૮ મેના રોજ યોજાનાર પાલધર લોકસભા પેટા ચૂંટણી માટે પાર્ટીના ઉમેદવાર શ્રીનિવાસ વનગાના સમર્થનમાં વસઈમાં એક રેલી યોજી. તે દરમ્યાન ઠાકરેએ મોદી વિરૂદ્ધ પ્રહારો કર્યા હતા.
વર્ષ ર૦૧૪ની સામાન્ય ચૂંટણીઓમાં ‘અબ કી બાર મોદી સરકાર’ના સૂત્રોચ્ચાર માટે ભાજપ પર નિશાન તાકતા તેમણે કહ્યું કે આગામી સમયમાં નિષ્ફળતાની સરકાર સાબિત થશે.
બુધવારે વિરાર નજીક ચૂંટણી રેલીનું સંબોધન કરી રહેલા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથને આડે હાથ લેતા, શિવસેનાના પ્રમુખે કહ્યું કે તાજેતરની પેટા ચૂંટણીમાં યુ.પી.ના સી.એમ. પોતાની ગોરખપુર લોકસભાની બેઠકને પણ સાચવી શક્યા નથી ને અહિંયા તેઓ તેમના પક્ષના કાર્યકર્તાઓને એવી સલાહ આપી રહ્યા છે કે, તમે કેવી રીતે પોતાની બેઠક ગુમાવી શકો છો.
ઠાકરેએ દાવો કર્યો કે, ચિંતામણ વનગાએ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર પ્રોજેક્ટ અને વઢવાણ બંદર પ્રોજેક્ટનો વિરોધ કર્યા બાદ ભાજપે વનગાના પરિવારને ત્યજી દીધું હતું.