(એજન્સી) ન્યૂયોર્ક, તા. ૨૭
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રના મંચ પરથી આતંકવાદ વિરૂદ્ધ આકરો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, આપણે દુનિયાને યુદ્ધ નહીં પણ બુદ્ધ આપ્યા છે. તેમણે કહ્યું કે, આપણા અવાજમાં આતંકવાદ વિરૂદ્ધ દુનિયાને સતર્ક કરવાની ગંભીરતા અને આક્રોશ બંને છે. આતંકવાદ માનવતા અને દુનિયા બંને માટે પડકાર છે. આ મુદ્દે વહેંચાયેલું વિશ્વ એવા સિદ્ધાંતોને હાનિ પહોંચાડે છે જેના આધારે યુએનની રચના થઇ છે. પીએમ મોદીે પાકિસ્તાનનું નામ લીધા વિના જ આતંકવાદ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, આતંકવાદ વિરૂદ્ધ સમગ્ર દુનિયાનું સંગઠિત થવું જરૂરી છે. વિખેરાયેલું વિશ્વ કોઇના હિતમાં નથી. આપણી પાસે સરહદોમાં સમેટાવાના વિકલ્પ નથી. આપણે સંયુક્ત રાષ્ટ્રને નવી દિશા આપવી પડશે. આ સાથે જ તેમણે સ્વામી વિવેકાનંદનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ૧૨૫ વર્ષ સ્વામી વિવેકાનંદે વિશ્વ ધર્મસંસદથી દુનિયાને એક સંદેશ આપ્યો હતો. આ સંદેશ હતો સદભાવ અને શાંતિનો. ભારત તરફથી આજે દુનિયા માટે આ જ સંદેશ છે.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ૭૪મા સત્રમાં બોલતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જો દુનિયા આતંકવાદ પર વિખેરાયેલી દેખાય છે તો પછી આ સંયુક્ત રાષ્ટ્રના સિદ્ધાંતોને અન્યાય થયો ગણાશે. તેમણે કહ્યું કે, આજે ત્રણ હજાર વર્ષ પહેલા અમારા એક તમિલ કવિએ કહ્યું હતું કે, અમે તમામ સ્થળો માટે આત્મીયતાનો ભાવ રાખીએ છીએ અને તમામ લોકો અમારા પોતાના છે. ભારતે વિશ્વ બંધુત્વની એ મહાન પરંપરાને આગળ વધારવાનું કામ કર્યું છે. ગાંધીનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે, સમગ્ર વિશ્વ આ વર્ષે મહાત્મા ગાંધીની ૧૫૦મી જયંતિ મનાવી રહ્યું છે. સત્ય અને અહિંસાનો તેમણે સંદેશ વિશ્વની શાંતિ અને પ્રગતિ માટે આજે પણ મહત્વપૂર્ણ છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પીએમ મોદીએ આ રીતે પોતાની વાત મુકી હતી.
પર્યાવરણ સંરક્ષ માટે ભારતના પ્રયાસોની વિગતો આપતા તેમણે કહ્યું કે, આપણું કાર્બન ઉત્સર્જન અને ગ્લોબલ વોર્મિંગમાં સૌથી ઓછું યોગદાન રહ્યું છે પણ પર્યાવરણ માટે અમારા પ્રયાસો મોટા છે. પીએમે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સની સ્થાપનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ ભારતમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિક વિરૂદ્ધ અભિયાનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે આવનારા પાંચ વર્ષમાં અમે જળ સંરક્ષણને પ્રોત્સાહન આપવાની સાથે જ ૧૫ કરોડ ઘરોને પાણી પુરૂં પાડવા સાથે જોડીશું. ભારતમાં સ્વચ્છતા અંગે ચલાવાતા મિશન અંગે વાત કરતા તેમણે ક્હયું કે, પાંચ વર્ષમાં ૧૧ કરોડ શૌચાલય આપ્યા છે. આ સમગ્ર દુનિયાને પ્રેરક સંદેશ જેવું છે. ભારત દુનિયાની સૌથી મોટી હેલ્થ સ્કીમ ચલાવી રહ્યું છે. ૫૦ કરોડ પરિવારોને પાંચ લાખ રૂપિયાની સાવરાની મદદ કરવામાં આવી રહી છે. આ સાથે જ તેમણે જનધન એકાઉન્ટ, બેંકોમાં સીધી સબસિડીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, અમે આગામી પાંચ વર્ષમાં દૂરસુદૂરના ગામોને જોડવા માટે સવા લાખ કિલોમીટરથી વધારે લાંબી સડકો બનાવવા જઇ રહ્યા છીએ. ૨૦૨૨ સુધી અમે ગરીબો માટે બે કરોડ વધુ ઘરોનું નિર્માણ કરીશું. દુનિયાએ ટીબીથી મુક્તિ માટે ૨૦૩૦ સુધીનો સમય રાખ્યો છે પણ અમે ૨૦૨૫ સુધી ભારતને આનાથી મુક્ત કરવા માટે કામ કરી રહ્યા છીએ. પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, સવાલ એ છે કે, આખરે નવા ભારતમાં ઝડપથી ફેરફાર કેવી રીતે આવી રહ્યા છે. ભારત હજારો વર્ષોની એક સંસ્કૃતિ છે તેની પોતાની જીવંત પરંપરાઓ છે. અમારા સંસ્કાર, અમારી સંસ્કૃતિ જીવમાં શિવ જુએ છે. તેથી અમારા પ્રાણ તત્વ, જનભાગીદારીથી જનકલ્યાણ. એટલું જ નહીં જનકલ્યાણથી જગ કલ્યાણ સુધીની વાત કરીએ છીએ.

ચીનમાં મુસ્લિમોની દુર્દશા અંગેની ચિંતાનું શું ? : અમેરિકાનો પાક.ને ઠપકો

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને આંચકા સમાન અહેવાલમાં અમેરિકાના ટોચના એલચીએ શુક્રવારે ઇમરાન ખાનને ચીન અંગે સવાલ કર્યો હતો કે, ત્યાં રહેતા આશરે એક મિલિયન જેટલા ઉઇઘરો અને તુર્કી બોલતા મુસ્લિમોની અટકાયત વિશે તેઓ શા માટે બોલતા નથી. જમ્મુ-કાશ્મીરને ખાસ રાજ્યનો દરજ્જો આપતા આર્ટિકલ ૩૭૦ને ભારત સરકારે રદ કર્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધી હોવા અંગે અમેરિકાના દક્ષિણ અને મધ્ય એશિયાના કામચલાઉ આસિસ્ટન્ટ મહાસચિવ એલિસ વેલ્સે કહ્યું કે, ઇમરાન ખાનની કાશ્મીર અંગેની ટિપ્પણી બેકાર છે. ખાસ કરીને બે પરમાણુ સંપન્ન દેશોની ઉગ્રતા ઓછી કરવાનું અમે સ્વાગત કરીએ છીએ. કાશ્મીરમાં માનવાધિકારોના ઉલ્લંઘનની અફવા ફેલાવી રહેલા પાકિસ્તાને અમેરીકાએ ઠપકો છે કે, પાકિસ્તાન ચીનમાં ગેરકાયદે કસ્ટડીમાં રહેલા મુસલમાનોની ચિંતા પહેલા કરે. અમેરીકાની દક્ષિણ અને મધ્ય એશિયા મામલાના મંત્રી એલિસ જી વેલ્સે કહ્યું કે, ચીનમાં મુસ્લીમોની સ્થિતી ખરાબ છે. તેમને નજરબંધ શિબિરોમાં રાખવામાં આવી રહ્યાં છે, પરંતુ પાકિસ્તાનને તેના પર કોઈ ચિંતા વ્યક્ત નથી કરતું. તેમણે કહ્યું કે, પાકિસ્તાને આ મામલે વધારે ચિંતા વ્યક્ત કરવી જોઈએ કારણ કે ત્યાં માનવાધિકારનું ઉલ્લંઘન વધારે છે. અમેરીકાએ સંયક્ત રાષ્ટ્ર મહાસભામાં ચીન દ્વારા મુસલમાનોને નજરબંધ શિબિરોની ભયાનક યાતનાનો મામલો ઉઠાવ્યો. તેમણે કહ્યું, સમગ્ર ચીનમાં મુસલમાનોની સ્થિતી સૌથી ખરાબ છે. તેમને જબરદસ્તીથી યાતના શિબિરોમાં રાખવામાં આવે છે. તેમને ધાર્મિક આઝાદી આપવામાં નથી આવી રહી. અમે ભવિષ્યમાં પણ આ મુદ્દાને વારંવાર ઉઠાવતા રહીશું. નોંધનીય છે કે, ચીનના પશ્ચિમ પ્રાંતમાં શિનજિયાંદગમાં ચીન અને ત્યાંના સ્થાનિક ઉઈગુર કે વીગર જનજાતિ સમુદાય વચ્ચેના સંઘર્ષનો ઈતિહાસ ખૂબ જ જુનો છે. વર્ષોની આ વિસ્તાની અર્થવ્યવસ્થા કૃષિ અને વ્યાપાર કેન્દ્રીત રહી છે. વીસમી સદીની શરૂઆતમાં વીગરોએ થોડાં સમય માટે પોતાને આઝાદ જાહેર કરી દીધાં હતાં. આ વિસ્તાર પર કોમ્યૂનિસ્ટ ચીને ૧૯૪૯માં સંપૂર્ણપણે નિયંત્રણ મેળવી લીધું હતું. તિબ્બતની જેમ જ શિનજિયાંગ પણ સત્તાવારરીતે સ્વાયત ક્ષેત્ર છે. ચીનના આ મુસલમાનો માટે ઈસ્લામિક દેશો તે માટે ચૂપ છે કારણ કે, તેઓ ચીનની નજરમાં ખરાબ બનવા નથી માંગતા. જ્યારે પાકિસ્તાન જેવા દેશની અર્થવ્યવસ્થા જ ચીનના સહારે ચાલી રહી છે. આ સિવાય બાકીના અન્ય ઈસ્લામિક દેશોને ચીન સાથે વ્યાપારિક સંબંધ છે. જો આ દેશો આ ચીનના મુસલમાનોની તરફેણમાં કંઈ કહે તો બની શકે કે ચીન તેની વિરુદ્ધ થઈ જાય અને તેને આપવામાં આવી રહેલી મદદ પર રોક લગાવી દે. આ દેશો આ મુદ્દાને ચીનનો આંતરિક મામલો ગણાવી રહ્યાં છે.