(એજન્સી) નવી દિલ્હી,તા.૧૬
નાગરિકતા સંશોધન એક્ટને લઇને દેશના અમુક વિસ્તારોમાં ચાલી રહેલા પ્રદર્શનો અને હિંસા મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટિ્‌વટ કરીને લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ જે હિંસક પ્રદર્શન થઇ રહ્યા છે તે ખૂબ જ હતાશાજનક છે. પ્રધાનમંત્રીએ લખ્યું- વાદ-વિવાદ, ચર્ચા અને અસંતોષ લોકતંત્રના ભાગ છે પરંતુ સાર્વજનિક પ્રોપર્ટીને નુકસાન પહોંચાડીને સામાન્ય જીવનને પ્રભાવિત કરવું તે લોકતંત્રનો ભાગ નથી. તેમણે લખ્યું કે આ સમય શાંતિ જાળવીને એકતા દર્શાવવાનો છે. હું દરેકને અપીલ કરું છું કે આવા સમયમાં કોઇ પણ પ્રકારના અસત્ય અને અફવાઓથી બચો.
વડાપ્રધાને લખ્યું- નાગરિકતા સંશોધન એક્ટ, ૨૦૧૯ સંસદના બન્ને સદન દ્વારા પાસ કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં રાજકીય પાર્ટીઓ અને સાંસદોએ આ બિલનું સમર્થન કર્યું છે. આ એક્ટ ભારતની પૌરાણિક સંસ્કૃતિ જે ભાઇચારો શિખવે છે, તેનો સંદેશ આપે છે. હું દરેક નાગરિકોને વિશ્વાસ અપાવું છું કે આ એક્ટ કોઇ પણ ધર્મના નાગરિકને પ્રભાવિત કરતો નથી. કોઇ પણ ભારતીયને આ એક્ટ વિશે ચિંતા કરવાની જરૂરત નથી. આ માત્ર એ લોકો માટે છે જેમણે બહારના દેશોમાં પીડાઓ ભોગવી છે અને ભારત સિવાય તેમની પાસે કોઇ સ્થાન નથી. દેશના લોકોને અપીલ કરતા વડાપ્રધાને લખ્યું કે સમયની જરૂરિયાત છે આજે સૌ કોઇ ભારતના વિકાસમાં કામ કરે અને ગરીબ, પછાત લોકોને સશક્ત કરવા માટે એક થાય. સ્વાર્થી જૂથોને આ રીતે અશાંતિ કરીને આપણને વિભાજિત કરવાની અનુમતિ આપણે ન આપી શકીએ.