International

પાકિસ્તાન મુખ્યત્વે ર૬/૧૧નો આરોપી સિંગાપુરમાં PM મોદીએ માઈકપેન્સને કહ્યું

(એજન્સી) સિંગાપુર, તા.૧૪
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે રાત્રે સિંગાપુરની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા છે જ્યાં તેમણે ત્રીજા ફાઈનાન્સ ટેકનોલોજી (ફિનટેક) ફેસ્ટિવલમાં ભાગ લીધો. આ ફાયનાન્સ ટેકનોલોજી પરનો દુનિયાનો સૌથી મોટો ફેસ્ટીવલ છે. ફિનટેક ફેસ્ટીવલમાં મોદીએ કહ્યું કે, ભારતમાં પણ એક નાણાકીય ક્રાંતિ ચાલી રહી છે અને ૧૩૦ કરોડ લોકોનું જીવન બદલાઈ રહ્યું છે. હમણાં અમે દિવાળીના તહેવારની ઉજવણી કરી. સિંગાપુરમાં પણ એક પ્રકારની દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ યુવાનોના ઉત્સાહ અને તેમને અનુલક્ષીને થતાં સારા કાર્યોની દિવાળી છે. ફિનટેક એક ફાયનાન્સ અને ટેકનોલોજીનો ઉત્સવ છે. સિંગાપુર ફાઈનાન્સનું વૈશ્વિક કેન્દ્ર છે. ભારત અને સિંગાપુર સાથે મળીને એશિયન દેશોના મધ્યમ અને નાના વેપારીઓને જોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મોદીએ કહ્યું કે, આજે ટેકનોલોજીની મદદથી વૈશ્વક અર્થવ્યવસ્થા બદલાઈ રહી છે. નવી દુનિયામાં ટેકનોલોજી જ સારી શક્તિ છે. ર૦૧૪માં અમે વિકાસના સિદ્ધાંત પર સરકાર બનાવી. સરકારનો હેતુ છે કે દેશના દરેક વ્યક્તિ અને અંતરિયાળ વિસ્તારમાં રહેતા ગરીબને પણ યોજનાઓનો લાભ મળે. અમે કેટલાક વર્ષોમાં ૧.ર અરબ લોકોનો બાયોમેટ્રિક ડેટા તૈયાર કર્યો છે. અમે ૩૦ લાખ નવા ખાતાઓ ખોલ્યા. ભારતમાં રુપે અને ભીમ એપ દ્વારા ડિજિટલ ટ્રાન્જેકશન વધ્યું છે. દેશની ૧ર૮ બેંકો યુપીઆઈ સાથે જોડાયેલી છે. ગત ર૪ મહિનાઓમાં યુપીઆઈથી ટ્રાન્જેકશનમાં ૧પ૦૦ ગણો વધારો થયો છે. દર મહિને ડિજિટલ ટ્રાન્જેકશન ૩૦ ટકા વધી રહ્યું છે. પીએમ મોદીએ ઈસ્ટ એશિયા સમિટ સિવાય પણ અમેરિકી ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સ સાથે મુલાકાત કરી છે. માનવામાં આવી રહ્યું છે કે, બંને નેતાઓએ મુલાકાત દરમિયાન પરસ્પર સંરક્ષણ સહયોગ અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને ખુલ્લો રાખવા માટે ચર્ચા કરી. બંને નેતાઓ તરફથી આ મુલાકાત અંગેની જાણકારી આપવામાં આવી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે જણાવ્યું કે, વડાપ્રધાન મોદી અને ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સની મુલાકાત ઉષ્મા ભરેલી રહી. બંને નેતાઓએ વૈશ્વિક રાજકીય ભાગીદારી સાથે જોડાયેલા કેટલાક પાસાંઓ પર પણ ચર્ચા કરી કે જે ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ સાથેે સંબંધિત હતા. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, પીએમ મોદીએ પેન્સ સાથેની મુલાકાત દરમિયાન એ વાત પર ભાર મૂક્યો કે, અમેરિકા માટે આ ખૂબ જ સારી તક છે કે, તે ભારતમાં સંરક્ષણ ઉપકરણ અને ઉદ્યોગની સ્થાપના કરે અને અહીં જ તેનું નિર્માણ કરે. પેન્સે અમેરિકા અને ભારત વચ્ચે આતંકવાદના વિરોધ માટે જારી પરસ્પર સહયોગની પ્રશંસા કરી અને સાથે જ એ વાત પણ માની કે ભારત ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ માટે એક સકારાત્મક પક્ષ છે. ઉપરાંત પેન્સે એ બાબતનો પણ સ્વીકાર કર્યો કે, ભારતે આર્થિક ક્ષેત્રમાં પણ પ્રગતિ કરી છે.