(એજન્સી) ટોંક (રાજસ્થાન), તા. ૨૩
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં ત્રાસવાદી હુમલાને પગલે દેશના ઘણા ભાગોમાં કાશ્મીરીઓને નિશાન બનાવવા સામે શનિવારે ચેતવણી આપીને જણાવ્યું કે આપણી લડાઇ કાશ્મીર માટે કાશ્મીરીઓ સામે નથી. આપણી લડાઇ ત્રાસવાદ અને માનવતાના દુશ્મનો સામે છે. કાશ્મીરીઓ સામે ફાટી નીકળેલી હિંસા અંગે પ્રથમવાર વડાપ્રધાન બોલ્યા છે. રાજસ્થાનના ટોંકમાં યોજવામાં આવેલી એક રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ત્રાસવાદને કારણે સૌથી વધુ કાશ્મીરીઓએ ભોગવ્યું છે અને દેશના બાકી ભાગે તેમની પડખે રહેવું જોઇએ. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે કાશ્મીરી યુવાઓ પણ ત્રાસવાદથી પરેશાન છે. કાશ્મીરી લોકો દેશના લોકો સાથે છે. કાશ્મીરના લોકો છેલ્લા ૪૦ વર્ષથી ત્રાસવાદથી પીડિત છે અને તેઓ શાંતિ ઇચ્છે છે. તેમણે કહ્યું કે ત્રાસવાદની ફેક્ટરીઓ ચાલુ રહેશે ત્યાં સુધી વિશ્વમાં શાંતિ સ્થપાશે નહીં. ત્રાસવાદ સામે સર્વસંમત્તિ છે. કાશ્મીરના અલગતાવાદીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. અમે દરેક મોરચે જોરદાર રીતે આગળ વધી રહ્યા છીએ. કાશ્મીરી વિદ્યાર્થીઓ સામેની હિંસક ઘટનાઓ અંગે પ્રથમ વખત પ્રતિક્રિયા આપતા વડાપ્રધાને જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં દેશમાં કાશ્મીરી વિદ્યાર્થીઓ સાથે જે થયું છે, તે થવું જોઇતું ન હતું. કેન્દ્ર સરકારે બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે એડવાઇઝરી જારી કરી છે.
વડાપ્રધાન દ્વારા આજે તેમના સંબોધનમાં કાશ્મીરીઓ પર હુમલાને પહેલી વાર વખોડી કાઢવામાં આવ્યો છે પરંતુ આજ સુધી ભાજપના કોઇ પણ નેતાએ કાશ્મીરીઓ સામેના હુમલાનો વખોડ્યા નથી. જોકે, ભાજપના સહયોગી પક્ષો શિરોમણી અકાલી દળ અને શિવસેનાએ કાશ્મીરીઓ પરના હુમલાને વખોડી કાઢ્યા છે.
પુલવામામાં ત્રાસવાદી હુમલામાં સીઆરપીએફના ૪૦થી વધુ જવાનની શહાદત બાદ સમગ્ર દેશમાં કાશ્મીરીઓ પર હુમલા કરવામાં આવી રહ્યા છે અને તેમનો સામાજિક બહિષ્કાર કરવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. સુપ્રીમકોર્ટે પણ કાશ્મીરીઓ સામેની હિંસક ઘટનાઓ અટકાવવા માટે ત્વરિત પગલા ભરવાનો ૧૧ રાજ્યોને આદેશ આપ્યા છે. પશ્ચિમ બંગાળથઈ માડીને જમ્મુ સુધી ઘણા કાશ્મીરી વિદ્યાર્થીઓ અને વેપારીઓએ તેમની પજવણી અને માર મારવામાં આવ્યા હોવાની ફરિયાદો કરી છે. સેંકડો કાશ્મીરીઓ આવી પજવણી અને હુમલાથી બચવા માટે કાશ્મીર પાછા જતા રહ્યા છે.
પીએમ મોદીએ જણાવ્યું કે, પુલવામાં હુમલા બાદ તમે પણ જોયું કે કેવી રીતે એક એક કરીને પાકિસ્તાન પાસેથી હિસાબ લેવામાં આવી રહ્યો છે. અમારી સરકારના નિર્ણયોથી પાકિસ્તાનમાં ભૂકંપ આવ્યો છે. અલગતાવાદની ભાષા બોલનારા પર કાર્યવાહી ઝડપી બનાવાઈ છે અને આગળ પણ ચાલુ રખાશે. આ નવી નીતિ અને નવી રીતિ ધરાવતો ભારત દેશ છે.
જાહેરસભામાં મોદીએ પાકિસ્તાન અને આતંકવાદ પર જોરદાર હુમલો કર્યો. પીએમે જણાવ્યું કે વિશ્વના મોટાભાગના દેશ અને લગભગ તમામ આંતરાષ્ટ્રીય સંસ્થાઓએ પુલવામા હુમલા વિરુદ્ઘ એક થઈને ભારતની પડખે ઊભા રહ્યા છે. મોદીએ જણાવ્યું કે, સરહદ પર તૈનાત આપણા સૈનિકો પર, મોદી સરકાર પર ભરોસો રાખો, આ વખતે બધાનો હિસાબ થશે.
પીએમ મોદીએ કહ્યું કે આપણા સુરક્ષાદળોએ હુમલાના ૧૦૦ કલાકમાં જ જવાબદાર મોટા ગુનેગારોને એવી જગ્યાએ પહોંચાડી દીધા જ્યાં તેમની જગ્યા છે, જ્યારં સુધી આતંકાની ફેક્ટરી ચાલુ રહેશે. આતંકીની ફેક્ટરીમાં તાળું મારવાનું મારા નસીબમાં લખ્યું છે. આ મારા હિસ્સામાં જ આવ્યું છે.
પીએમે કહ્યું કે અમરનાથની યાત્રાએ લાખો શ્રદ્ધાળુઓ આવે છે, તેમની દેખરેખ કાશ્મીરના લોકો કરે છે. અમરનાથ યાત્રિઓને ગોળી વાગી તો કાશ્મીરના મુસલમાન લોહી આપવા માટે લાઈન લગાવીને ઊભા હતા.